• Gujarati News
  • પોલીસના નામે ટેમ્પો ટ્રકચાલકને લૂંટયા

પોલીસના નામે ટેમ્પો-ટ્રકચાલકને લૂંટયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. બારડોલી
વડોદરાના પાદરાથી આઈસર ટેમ્પામાં શાકભાજી ભરીને મુંબઈના વાસીમાં ખાલી કર્યા બાદ ત્યાંથી ફણસ અને કેરી ભરીને પરત ફરી રહેલા ટેમ્પાને પલસાણાની હદમાં એક ઈનોવા કારમાં આવેલા ત્રણ ઈસમોએ માખીંગા ગામની સીમમાં મીંઢોળા પુલ નજીક આંતરીને ચેકિંગના નામે ૧૮૦૦ રૂપિયા તથા એક મોબાઈલ ડ્રાઈવર ક્લીનર પાસે પડાવી લીધા હતા. ત્યારબાદ આજ ઈનોવા કારમાં બેઠેલા ત્રણ ઈસમોએ પોલીસના સ્વાંગમાં બલેશ્વર નજીક આવેલ રીલીફ હોટલની સામે એક ટ્રકને આંતરીને તેના ચાલક પાસે ૯૦૦૦ રૂપિયાનો તોડ કરી ભાગી ગયા હતા.
વડોદરાના પાદરા ગામે ભાથુજીવાળા ફળિયામાં રહેતા સુરેશભાઈ બુધાભાઈ પરમાર આઈસર ટેમ્પા નં. ((જીજે-૬એક્સએક્સ-૮૭૨૬)) ઉપર ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. જે ટેમ્પામાં શાકભાજી ભરીને ક્લીનર કનુભાઈ સાથે મુંબઈના વાસી માર્કેટમાં ખાલી કર્યુ હતું. અને ત્યાંથી ટેમ્પામાં કેરી તથા ફણસ ભરીને વડોદરા આવવા નીકળ્યો હતો. ૧૦મી માર્ચના રોજ રાત્રિના ૯.૩૦ કલાકે સુરત જિલ્લાની હદમાં પલસાણા તાલુકાના મીંઢોળાના પુલ પાસે માખિંગા ગામની સીમમાંથી પસાર થતો હતો ત્યારે એક ઈનોવા કાર નં ((જીજે-પ-૩૯૦૬))માં આવેલા ત્રણ ઈસમોએ લાકડી બતાવી ટેમ્પાને ઊભો રખાવ્યો હતો. અને પોતે પોલીસનો માણસ હોવાનું દોર કરી ટેમ્પા ચાલકને ચેકિંગ ચાલુ છે. એમ કહી ગાડીના કાગળીયા માંગ્યા હતાં. જેથી સુરેશભાઈગાડીની ફાઈલ લઈ ઈનોવા કારમાં બેઠેલા ઈસમ પાસે જતાં પીયુસી ન હોવાનું જણાવી ૨૦૦૦ રૂપિયા એન્ટ્રી માંગી હતી અને જે ન આપે તો ટેમ્પો જમા લેવાની ધમકી આપી હતી.
પ્રથમ સુરેશભાઈએ ૨૦૦ રૂપિયા આપવાની વાત કરી હતી. અને ત્યારબાદ ઈનોવા કારમાં બેઠેલા ઈસમે ના કહેતા આખરે ચાલક પાસેના ૮૦૦ રૂપિયા રોકડા અને ક્લીનરના ૧૦૦૦ મળી રોકડા ૧૮૦૦ રૂપિયા અને એક સેમસંગ કંપનીનો પ૦૦ રૂપિયાનો મોબાઈલ લઈ ત્યાંથી ઈનોવા કારમાં આવેલા ત્રણે ઈસમે નીકળી ગયા હતાં.
ત્યારબાદ નજીકમાં આવેલ હોટલ તેમજ દુકાનમાં હજાર માણસો સાથે ચર્ચા કરતાં કોઈ પોલીસના માણસ નહીં પરંતુ ખાનગી માણસો છેતરી ગયા હોવાનું જણાવ્યું હતું. જેથી સુરેશભાઈ પરમાર પલસાણા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતાં. આ દરમિયાન ઈનોવા કારમાં બેઠેલા ઈસમો પલસાણા તાલુકાના બલેશ્વર ગામની સીમમાં નેહા નં ૮ ઉપર રીલીફ હોટલ નજીક પહોંચ્યા હતાં. જ્યાં તેમણે એક ટ્રકના ચાલકને અટકાવ્યો હતો. ટ્રક દહેજથી કેમિકલ ભરીને નવી વાસી મુંબઈ તરફ જતી હતી. તેના ચાલક પાસે લાયસન્સ ન હોવાનું જણાવી તારી ગાડી જમા કરી લઈશું એમ કહી રોકડા રૂપિયા ૯૦૦૦નો તોડ કરી ત્યાંથી પણ ભાગી છૂટયા હતાં.