• Gujarati News
  • મોગરા ગામ નજીક ટ્રક પલટી જતા ચાલકનું મોત

મોગરા ગામ નજીક ટ્રક પલટી જતા ચાલકનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સાપુતારા
ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારના મોગરા ગામ નજીક ઘાટ માર્ગમાં વાંસદાથી ઈંટ ભરી જઈ રહેલ ટ્રક ((નં. જીજે-૧૮-ટી-૭૮૬))ની બ્રેક ફેઈલ થઈ જતા ટ્રક બેકાબુ બની હતી. ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક ઘાટ માર્ગમાં પલટી ગઈ હતી. જેમાં ચાલક કેબિનમાં ફસાઈ જતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ચાર મજૂરોને ગંભીર ઈજા પહોંચતા ૧૦૮ દ્વારા આહવા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવની મળતી માહિ‌તી મુજબ વાંસદાના મોટીભમતી ગામેથી ડાંગના પૂર્વપટ્ટી વિસ્તારના મોગરા ગામે ઈંટ ભરી જઈ રહેલી ટ્રક ((નં. જીજે-૧૮-ટી-૭૮૬))ની બ્રેક ફેઈલ થઈ જતા ટ્રક બેકાબૂ બની જવા પામી હતી. ટ્રકમાં મોટીભમતીના ચાલક કાંતિલાલ ઘેડુભાઈ ગાયકવાડે ટ્રકને કાબૂમાં કરવા ઘણાં પ્રયાસ કરવા છતાં ટ્રક ઘાટમાં પલટી મારી ગઈ હતી. જેમાં ચાલક કાંતિલાલ ગાયકવાડનું ટ્રકની કેબિનમાં ફસાઈ જવાથી ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ટ્રકમાં બેઠેલ ચારેક મજૂરોને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ ૧૦૮ ઈમરજન્સી સેવાને કરતા ૧૦૮ના પાયલોટ લાલજી પટેલ અને ઈએમટી છોટુભાઈ ચૌધરીએ ગંભીર ઈજાગ્રસ્ત મજૂરો દીનુભાઈ નગીનભાઈ પટેલ ((ઉ.વ. ૪પ)), ભગુભાઈ પરસતભાઈ પટેલ, વિરલભાઈ મંગળભાઈ પટેલ ((ઉ.વ. ૩પ)) અને મનિષભાઈ ઈશાનભાઈ પટેલ ((ઉ.વ. ૨૦, તમામ રહે. મોટીભમતી, તા. વાંસદા, જિ. નવસારી))ને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે આહવા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની સ્થિતિમાં સુધારો થયો હોવાનું જાણવા મળ્યું હતું.
મોગરા નજીક થયેલા ટ્રક અકસ્માતના કલાકો બાદ વઘઈથી ક્રેઈન લઈ જઈ ટ્રકમાં ફસાયેલા ચાલક કાંતિલાલ ગાયકવાડનો મૃતદેહ કાઢવામાં આવ્યો હતો. મોટી ભમતીના ૨૨ વર્ષીય ચાલકના મૃત્યુથી પરિવારજનોમાં શોકની કાલીમા છવાઈ જવા પામી હતી. આહવા પોલીસે અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.