• Gujarati News
  • ચોરવણી અને નીરપણના બે હજાર મતદારની ચૂંટણી બહિ‌ષ્કારની ચીમકીૃચ્ ’

ચોરવણી અને નીરપણના બે હજાર મતદારની ચૂંટણી બહિ‌ષ્કારની ચીમકીૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વાંસદા
પાર, નાર, તાન, ખાપરી, અંબિકા અને પૂર્ણા નદી પર બનનાર ડેમના પ્રભાવિત વિસ્તાર વાંસદા તાલુકાના ચોરવણી અને નીરપણ ગામના બે હજારથી વધુ મતદારોએ ચૂંટણી બહિ‌ષ્કારની ચિમકી ઉચ્ચારતા પ્રસાશન સામી ચૂંટણીએ દોડતું થઈ ગયું છે. આ વિસ્તારના લોકોએ ડેમના વિરોધમાં મતદાનથી અળગા રહેવાનો નિર્ણય કરી ચૂંટણી બહિ‌ષ્કાર અંગે કલેકટર અને પોલીસ સબ ઈન્સ્પેક્ટર વાંસદાને લેખિત જાણ કરી છે.
ડેમ નિર્માણમાં પ્રભાવિત વિસ્તારમાં આવતા વાંસદા તાલુકાના ચોરવણી અને નીરપણના ગ્રામજનો દ્વારા કલેક્ટર અને વાંસદા પોસઈને કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે, પાર-તાપી નર્મદા નદી જોડાણ યોજના હેઠળ પાર, તાન, ખાપરી, અંબિકા અને પૂર્ણા નદી પર અનુક્રમે ઝરી, મોહના, કાવચાળી પૈખેડ, ચાસમાંડવા, ચિક્કાર, દાબદર અને કેળવણ ગામે મોટા બંધો બાંધવાની યોજના વિચારાઈ રહી છે. આ તમામ બંધોને એક બીજા સાથે જોડવા તથા પાણી ઉત્તર ગુજરાત સુધી પહોંચાડવા માટે ટર્નલ તથા નહેર બનાવવાની પણ યોજના છે. એમાં પારથી પૂર્ણા નદી કિનારે વસનાર લોકોના મુદ્દાઓમાં સાત જગ્યાએ બંધો બાંધવાની યોજના છે તે અંગે ગ્રામજનોને કશું જ જણાવવામાં આવ્યું નથી અને ગ્રામજનોને કોઈપણ જાતની માહિ‌તી આપ્યા સિવાય દરેક જગ્યાએ બંધ માટે જુદા જુદા સર્વે હાથ ધરાયા છે. પાર-તાપી નર્મદા નદી જોડાણ યોજનાથી વિસ્થાપનની શક્યતા છે છતાં પણ આ યોજનાથી કયા કયા ગામ અસર થવાના છે તે બાબતે લોકોને જાણ કરાઇ નથી. તેમજ યોજનામાં ઘણી એવી વન જમીન અસર પામનાર છે. જ્યાં સુધી વન અધિકાર કાયદો ૨૦૦૬નો પુરેપુરો અમલ ન થાય ત્યાં સુધી આવી કોઈપણ યોજનાની કાર્યવાહી કાયદાનો ભંગ ગણાય, તેવી જ રીતે જે તે વિસ્તારો બંધ બનાવવાની યોજના છે તે વિસ્તારો ૧૦૦ ટકા આદિવાસી વિસ્તાર હોય ભુરીયા સમિતિની જોગવાઇ મુજબ ગ્રામસભાની મંજૂરી સિવાય કોઈપણ યોજના અમલમાં મૂકી શકાય નહીં.
અમારા વિસ્તારોમાં આ યોજના ન જોઈએ તે અંગે ઠરાવો પણ અમો અમારી જે તે ગ્રામસભામાં કર્યા છે અને કોઈપણ જાતનું સર્વેનું કામકાજ કરવામાં ન આવે તેવી રજૂઆતો પણ વારંવાર કરી છે. છતાં અમારી રજૂઆતોની આજદિન સુધી ઉપેક્ષા થતી આવી છે. તેથી અમો ગ્રામજનોએ વિચારણા કર્યા બાદ મોટી સંખ્યામાં સંગઠીત થઈ લોકસભાની ચૂંટણી દરમિયાન ચૂંટણીનો બહિ‌ષ્કાર કરી મતદાન નહીં કરવાનો નિર્ણય કર્યો છે. ચોરવણી અને નીરપણ ગામના બે હજારથી વધુ મતદારો ચૂંટણીનો બહિ‌ષ્કાર કરવાની ચિમકીથી પ્રશાસન દોડતું થઈ ગયું છે. પ્રશાસન હવે બહિ‌ષ્કાર કરનાર લોકોને કેવી રીતે મનાવે એ આવનારો સમય જ બતાવશે.