• Gujarati News
  • મોદી પ્રધાનમંડળમાં રાજ્યના ૨થી ૩ સાંસદોના સમાવેશની શક્યતા

મોદી પ્રધાનમંડળમાં રાજ્યના ૨થી ૩ સાંસદોના સમાવેશની શક્યતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . ગાંધીનગર
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ તેમના પ્રથમ પ્રધાનમંડળમાં કોણ કોણ હશે અને ખાસ કરીને ગુજરાતમાંથી જ્યારે લોકસભાની તમામ ૨૬ બેઠકો પર ભાજપનો વિજય થયો છે તે સંજોગોમાં અહીંથી કેટલા અને કયા સાંસદોને કેબિનેટમાં સ્થાન મળશે તેની હવે અટકળો ચાલી રહી છે. તેમાં પ્રા માહિ‌તી મુજબ, આમાંથી બેથી ત્રણ સાંસદોને મોદી કેબિનેટમાં સમાવવામાં આવે તેવી શક્યતા દેખાય છે.
મોદી કેબિનેટમાં સંભવિતોના નામની વાત છેડાય છે ત્યારે સ્વાભાવિકપણે જ અરુણ જેટલી અને સ્મૃતિ ઈરાનીના સમાવેશની વાત લગભગ નક્કી હોવાનું મનાય છે. સવાલ કયું ખાતું મળે છે તેનો જ છે. અરુણ જેટલી અને સ્મૃતિ ઈરાની ભલે ગુજરાત બહારના વતની હોય પરંતુ તેઓ બંને રાજ્યસભામાં ગુજરાતમાંથી ચૂંટાયેલા છે. રસપ્રદ બાબત એ છે કે આ બંને નેતાઓ લોકસભાની ચૂંટણી લડયા પરંતુ ભાજપને લોકસભામાં સ્પષ્ટ બહુમતી જેટલા સાંસદો વિજયી થયા છતાં આ બંને હાર્યા. જેટલી અમૃતસર પરથી અને સ્મૃતિ ઈરાની અમેઠી પરથી રાહુલ ગાંધી સામે હાર્યા છે. છતાં તેઓ બંને હજુ પણ સાંસદ તો છે જ.
બીજી તરફ, પ્રથમવાર સાંસદ બનેલા નેતાઓનો હાલ સમાવેશ ન પણ થાય, તેમ નક્કી થયું છે. ગુજરાતમાંથી પ્રથમવાર લોકસભામાં જનારાઓમાં પરેશ રાવલ, દેવુસિંહ ચૌહાણ, જશવંત ભાભોર, પૂનમ માડમ, રાજેશ ચુડાસમા સહિ‌ત અડધોઅડધ સાંસદો પ્રથમ
વખત ચૂંટાયેલા છે.
એક તર્ક મુજબ, ગુજરાતમાંથી જ જ્યારે વડાપ્રધાન છે ત્યારે અરુણ જેટલી અને સ્મૃતિ ઈરાની ઉપરાંત એક આદિવાસી સાંસદને કેબિનેટમાં સમાવવામાં આવે તેમ લાગે છે. આમાં જે નામ ચર્ચામાં છે તેમાં ભરૂચથી ચૂંટાતા મનસુખ વસાવા અને છોટા ઉદેપુર કે દાહોદના સાંસદોમાંથી એકનો સમાવેશ થઈ શકે છે. અલબત્ત, દાહોદના સાંસદ જશવંત ભાભોર પ્રથમ વખત લોકસભામાં ચૂંટાયા છે અને લોકસભા લડતી વખતે તેઓ રાજ્યના મોદી મંત્રીમંડળમાં રહી ચૂક્યા છે. આમ, હાલ તેમની પસંદગીની સંભાવના ઓછી આંકવામાં આવે છે.