• Gujarati News
  • ૧પ મે પછી આફૂસનો ભાવ મણ દીઠ ૧ હજાર રહે તેવી સંભાવના

૧પ મે પછી આફૂસનો ભાવ મણ દીઠ ૧ હજાર રહે તેવી સંભાવના

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ : યુરોપીય દેશોમાં ભારતમાંથી આયાત કરાતી કેરીમાં રસાયણિક દવાના મળેલા વધુ પ્રમાણ અને જીવાતના પગલે કેરીની આયાત ઉપર મૂકેલા પ્રતિબંધનો અમલ ૧ મેથી શરૂ થઇ રહ્યો છે,જેની સીધી અસર કેરીના ભાવ ઉપર પડવાની સંભાવના વેપારીઓ વ્યકત કરી રહ્યા છે. જો કે,૧પમી મે બાદ આફૂસ કેરીનો ભાવ પ્રતિ ૨૦ કિલોએ રૂ.૧૦૦૦ની આસપાસ રહે તેવી સંભાવના વેપારી આલમમાં વ્યક્ત કરાઈ રહી છે. જ્યારે રત્નાગીરી આફુસનો ભાવ હાલમાં રૂ.૭૦૦થી નીચે આવી ગયો છે. યુરોપમાં કેરીની નિકાસ પર પ્રતિબંધ મૂકાતા હાલે મુંબઇના કેરી માર્કેટમાં કેરીનો ભરાવો થતા ભાવોમાં કડાકો બોલી ગયો છે. કેરીની નિકાસ કરવા અગાઉ તેની ઇ-રેડિયેશન સેન્ટર દ્વારા ચકાસણી જરૂરી બને છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં ઇ-રેડિયેશન સેન્ટર જ નથી. મહારાષ્ટ્રના નાશીક સ્થિત સેન્ટરમાં કેરીની ચકાસણી કરાવી તેની નિકાસ કરાય છે.