• Gujarati News
  • સંતતિ નિયમનનું સુખ અને સંતાનોનું સુખ

સંતતિ નિયમનનું સુખ અને સંતાનોનું સુખ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જે ૨૦૧૪માં મુસ્લિમોના વસતિવધારાની વાતો થાય છે પણ ૮૪ વર્ષ પહેલાં હું જન્મ્યો નહોતો ત્યારે મારા પિતાને આવા આર્શીવાદ મળ્યા હશે એટલે એ સાત સંતાનના બાપ થયેલા. મારી બાને પણ સાત દીકરા હતા. ગરીબીની ય લિજ્જત હતી. મહુવામાં અમે વિધવા ફોઈબાને ઘરે ભણતા આશ્રમ જેવું જીવન જીવતા હતા.વેકેશનમાં મહુવાથી ઝાંઝમેર અમારા વતનમાં આવીએ ત્યારે મારી બા પ્રેગ્નટ હોય, અરે ઘણાની બાની તો આઠમી સુવાવડ હોય. મારી બાને વેણ્ય ઉપડે ત્યારે સુયાણીને બોલાવવા જવાનું. ઘણી વખત તો મારી બાને સુવાવડ હોય ત્યારે મારી બાની બાની પણ સુવાવડ હોય. અમે નવા વિક્રમ સંવતે ઘરે ઘરે પગે લાગવા જઈએ ત્યા દરેક ઘરે રીપીટેડલી આર્શીવાદ મળે. ઘરડો ડોહો થા આ સાત દીકરાનો બાપ થા!’ મને ઘરડો ડોહો થવાના માત્ર આર્શીવાદ મળ્યા છે તે આજે ખૂબ આકરા છે. પણ હમણાં હું મહુવા ગયો ત્યાં મારી સાથે ભણતા મેજોરિટીને આવા આર્શીવાદ ફળેલા. એમાંના ઘણા સાત દીકરાના બાપ થયા છે.
મારા પિતાને સાત બાળકો, કાકાને આઠ બાળકો અને નાના કાકાને આઠ બાળકો. સાત ભાઈ પછી દીકરી આવે એટલે આનંદમંગળ થાય. સાત ભાઈ વચ્ચેની બહેન અમોલ કહેવાય.’ ફ્રાંસમાં એક પુત્ર પછી પુત્રી જન્મે તો ફ્રેંચ ભાષામાં કહે કે ચોઈ દુ રોય’ એટલે કે તમને કિંગ્ઝ ચોઈસ મળ્યો. કેવા સુંદર યોગ! એક પુત્ર-વારસો રાખનાર. એક પુત્રી તમારું રમકડું બનનાર. ગુજરાતી સ્ત્રીને આ કિંગ્ઝ ચોઈસ ખાસ જોઈએ. દીકરી થાય તો તેને માટે ઢીંગલા, પોતીયા, મોળાકત, એવરત, જીવરત, કન્યાનો મંડપ વગેરે વગેરે કેટલી મજા પડે. સંતાનો એટલે મા-બાપનું લગ્નોત્તર પણ સુખ. એક જમાનામાં કાઠિયાવાડમાં માત્ર એક ભાઈ અને એક બહેન એ તો ૬૦ વર્ષ પહેલાં લુખ્ખાપણું કહેવાય. સાત ભાઈ વચ્ચે એક બહેન એટલે લખમી પધાર્યાં.
ફ્રાંસમાં ડોક્ટર પુરુષ સુયાણીઓ બાળક જણતી વખતે કાળાં કપડાં પહેરે. સમગ્ર જગતમાં મેટરનિટી હોમના દાક્તરો સફેદ વસ્ત્રો પહેરે. અમારે ગામડામાં સુયાણીને ઉપલબ્ધ હોય તેવો ચણિયો અને ઉપર ઓઢણું પહેરે. ડિલિવરી કરવા આવે ત્યારે ઓરડો બંધ કરી દે. એટલા માટે નહીં કે અંદર સ્ત્રીની ડિલિવરી થતી હોય. એટલા માટે કે એ નાથીબાએ બલોયાં ઊંચા ચઢાવીને બાળકને જણવા માટે પછેડો કે ઓઢણું આડું ન આવે એટલે ફેંકી દીધું હોય. તેને ઓઢણા વગરની હાલતમાં કોઈ જોઈ જાય તો તેને લાજ આવે!
નાથીબાઈ એનો કસબ કરતાં હોય ત્યારે કુટુંબમાં વહેલાસર જન્મવાની અમારે કુટુંબના તમામ મોટા ભાઈએ આ ટાણે ફરજ બજાવવાની હોય. બાને વેણ્ય ઉપડે ત્યારે સુવાણીને બોલાવવા જવી. પછી ગામમાં જોગી કે વહવાયાને ((સુતાર, લુહાર, મોચી વગેરેને વહવાયા કહે)) ઘરેથી અડાયા છાણા લઈ આવવાના. અમારા પરમપૂજ્ય ભાભુઓ, અખંડ સૌભાગ્યવતી ભાભીઓ અને પરમપૂજ્ય માતુશ્રીઓ સુવાવડા થાય તેનો અમને રંજ નહીં પણ ઊલટાનો ઉત્સવ હોય. અમને સુવાવડાનો ગોળ-ઘીનો લસલસતો મસાલેદાર શીરો રોજ ખાવા મળે. વહેલીસવારે શીરો ખાવા જ ઊઠી જઈએ. તમે નોંધી લો કે સુવાવડીનો શીરો અને પછી સાવ અવસર વગરનો એટલે કે સુવાવડ વગરનો શીરો એ બન્નેનાં સ્વાદમાં લાખ ગાડાનો ફેર હોય. અમારા જમાનામાં ૬પ વર્ષ પહેલાં સ્ત્રીઓની ફીકન્ડિટી એટલી પ્રબળ કે ભાદરવા મહિ‌નામાં આ શીરાનો ઉત્સવ ચાલે. કાનજીની બાને સુવાવડ આવે તો મને શીરો ખાવા બોલાવી જાય. જાદવજી કાકાની વહુને સુવાવડ આવે તો તેનો દીકરો ચંદુ અમને શીરો ખાવા લઈ જાય.
નાનાભાઈ કે બહેનના બાળોતિયાં સાફ કરવા કંઈક તકલીફ થાય તો સુયાણીને બોલાવવા જવાની. અમારે અને બાપા માટે પાડોશણ કે ફોઈ કે માસી કે કાકી કે મામી રસોઈ કરવા ન આવે તો ખીચડી શાક રાંધતાં આવડવું જોઈએ. હું ૧૦ વર્ષની ઉંમરે બે કારણસર રસોઈ શીખી ગયો. એક તો બાની રિપીટેડ સુવાવડ અને બીજું મહુવામાં ફોઈબાને ઘરે તેમની કડક રીતે પળાતી માસિક અડચણ. સંતતી નિયમન દેશ માટે ઘણી રીતે રાહતરૂપ નીવડયું છે પણ અમને એ રાહત નસીબ નહોતી. આ તમામ વિધિ અમને કિશોરાવસ્થામા આકરી લાગી નહોતી પણ વડોદરાની એમ. એસ. યુનિવર્સિ‌ટીની હોસ્ટેલમાં હું ૧૯પ૦માં જુનિયર બી.કોમ.માં હતો ત્યારે પિતાનો કાગળ આવ્યો કે તારે એક વધુ ભાઈ આવ્યો છે’ ત્યારે બિલકુલ ૧ પાઈની આવક વગરના પિતાએ સાતમુ સંતાન મારી બા પાસે જણાવ્યું તેનો ગેરકાનૂની’ અફસોસ થયો. આજની કિશોર પ્રજા સુયાણીને બોલાવવા જવાની ઝંઝટ કે ગામમાંથી અડાયા છાણા ગોતવાની ઝંઝટમાંથી મુક્તિ મળી ગઈ છે. મને લાગે છે કે નવી પ્રજાની એ સ્વતંત્રતાની ઈષ્ર્યા આવે છે. પણ પેલો સુવાવડીનો શીરો? ડીંગો.
બહુ બહુ તો શહેરનો છોકરો તેની બાની સુવાવડ આવે ત્યારે મેટરનિટી હોમમાં એમની બાએ જે રમકડું પેદા ક્ર્યુ હોય તે શૂન્ય મને જોવા જવાનું. બા માટે ડોક્ટરે લખી આપેલી મોટા હારડા જેવા લિસ્ટની દવા કેમિસ્ટને ત્યાંથી લેવા જવાની. અમને એ ઝંઝટ નહોતી. બધાની બા પ્રેગ્નન્ટ થાય ત્યારે તેને અને આવનાર બાળક માટે જે ઓસડિયા તેમજ આહાર વ્યવસ્થા જોઈએ તે બધાની બાઓએ સુવાવડ પહેલા નક્કી કરી રાખી હોય. અમારા બધાના બાપા ઝાંઝમેરથી તળાજા હટાણું કરવા જાય. ત્યારે અમારી બા બાપાને મોટું લિસ્ટ લખાવે- સુવા દાણા, વાવડિંગ, વાપુંભા, સૂંઠ, પીપરી મૂળ કે બદામ એ લિસ્ટ વાંચીએ એટલે અમે સમજી જઈએ કે અમારે ઘરે એક વધારાનો ભાઈ કે બહેન જન્મવાના છે!