• Gujarati News
  • પીએસઆઇ વાઘેલાએ અત્યાચાર ગુર્જાયો હોવાથી જામીન ન મળ્યા

પીએસઆઇ વાઘેલાએ અત્યાચાર ગુર્જાયો હોવાથી જામીન ન મળ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.સુરત
કતારગામ પોલીસ મથકના પીએસઆઇ વાઘેલાએ વેડરોડ ખાતે રહેતા મહેશ પારઘીને માર મારી પેશાબની નળી ફાડી નાંખી હતી આ કેસમાં કો‌ર્ટ હુકમ બાદ પીએસઆઇ સામે પોલીસ ગુનો નોંધાયો હતો અને તેની ધરપકડ કરી હતી. આજે પીએસઆઇ દ્વારા રજૂ કરાયેલી જામીન અરજી કો‌ર્ટ દ્વારા નકારી કઢાઈ હતી. કો‌ર્ટે હુકમમાં ટાંકયુ હતુ કે ફરિયાદીનો કેસ ગંભીર મહાવ્યથાનો છે એટલે આ કો‌ર્ટને જામીન મુક્ત કરવાની સત્તા નથી.
કેસની વિગત એવી છે કે વેડરોડના મહેશ પારઘીના લગ્ન વર્ષ ૨૦૦૧માં ચંદ્રિકા સાથે થયા હતા. લગ્નગાળામાં ત્રણ સંતાનો અવતર્યા હતા જેમાંથી એકનું મોત નિપજયું હતું. લગ્ન બાદ પત્ની ચંદ્રીકાની વાણી અને વ્યવહારથી ફરિયાદી મહેશ પારઘી કંટાળી ગયા હતા. આરોપ મુજબ તેમની પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારાતો હતો. પત્નીએ અલગ રહેવાની માગ કરતાં તેઓ સંતાનો જોડે અલગ રહેવા જતાં રહ્યા હતા. જ્યાં પણ પત્નીના ત્રાસનો સિલસિલો ચાલુ રહ્યો હતો. આ કેસમાં પત્નીએ કતારગામ પોલીસ મથકનું શરણું લેતાં મહેશ પારઘીને પોલીસ સ્ટેશને બોલાવી પીએસઆઈ વાઘેલાએ તેને થાંભલા સાથે બાંધી બેટ વડે માર માર્યો હતો.
આ કિસ્સા બાદ બીજીવાર પણ પીએસઆઇ વાઘેલાએ જ પોલીસ સ્ટેશનમાં પિલ્લર પકડાવી માર્યો હતો. આ માર એટલો ભયાવહ હતો કે ફરિયાદી મહેશની પેશાબની નળી ફાટી નાંખી હતી. આ કેસમાં પોલીસ અને પત્ની સહિ‌તના આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની કોશિષ કરવામાં આવી હતી પરંતુ તેમાં એન.સી.જ નોંધાતા મામલો કો‌ર્ટમાં પહોંચ્યો હતો. કો‌ર્ટ આ કેસમાં કોગ્નીઝેબલ ગુનાની એફઆઈઆર નોંધવાનો હુકમ કર્યો હતો. આ હુકમ બાદ કતારગામ પોલીસ મથકના પીએસઆઇ ડી.એચ.વાઘેલા સામે પોલીસ ફરિયાદ થઈ હતી અને તેમને કો‌ર્ટે જેલ કસ્ટડીમાં મોકલ્યા હતા આ કેસમાં આજે આરોપી પીએસઆઈ દ્વારા જામીન અરજી રજૂ કરી હતી જે અરજી કો‌ર્ટે રદ કરી હતી. કો‌ર્ટે પોતાના હુકમમાં ટાંકયુ હતુ કે મેડિકલ સર્ટિ‌ફિકેટ પ્રમાણે ફરિયાદીનો કેસ ગંભીર મહાવ્યથાનો છે. ભોગ બનનાર મહેશની પેશાબની નળી ફાટી ગઈ છે. એવા સંજોગોમાં આ કો‌ર્ટને જામીન મુક્ત કરવાની સત્તા નથી. હાલ તપાસ નાજુક તબક્કે છે. તેવા સંજોગોમાં કોઇપણ નિરીક્ષક કેસની તટસ્થ તપાસમાં અવરોધ બનશે એવુ કો‌ર્ટનું માનવુ છે.