• Gujarati News
  • પવાર : રમત અને પાટલીબદલુ રાજકારણના ઉસ્તાદ!

પવાર : રમત અને પાટલીબદલુ રાજકારણના ઉસ્તાદ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાષ્ટ્રમાં બે ભાઈઓ ખેતરના ભાગ પાડતાં તે ખેતર વચ્ચોવચ્ચ એક લાકડાની આડશ મુકાતી. તેને ખોડીબારું’ કહેવાતું. બે ભાઈઓ ખેડૂતો તરીકે અલગ પડે ત્યારે તેના મુખ્ય સાથીદારે કયા ભાઈને ત્યાં સાથીદાર-મજૂર તરીકે જવું તેની વિમાસણ હોય. તે ખોડીબારમાં બેઠેલો ગણાય. શરદ પવાર બારામતી જિલ્લાનો ગામડાનો માણસ છે. રાજકારણમાં તે સતત છેલ્લાં ૩૬ વર્ષથી ખોડીબારામાં બેઠા છે તેથી નક્કી કરી શકતા નથી કે તેણે કયા પક્ષમાં જવું. જ્યારે ઈમરજન્સીમાં શરદ પવારે ઈન્દિરાની ટીકા કરી ત્યારે ઈન્દિરાનું ત્રીજું નેત્ર ખૂલતાં તે સત્તા પરથી ફેંકાઈ ગયા. પણ તેમણે ૧૯૯૯માં પોતાની નેશનાલિસ્ટ કોંગ્રેસ સ્થાપીને ઈન્દિરાની કોંગ્રેસથી છેડો ફાડયો ત્યારે ઉરૂલીકાંચનના સર્વેસર્વા મણીભાઈ દેસાઈ અને યશવંતરાવ ચવ્હાણ બન્ને મિત્રો હતા. તેને કારણે હું યુવાન શરદ પવારને સતત સાડા ત્રણ દાયકાથી જાણું છું.
છેલ્લાં ૧પ વર્ષથી તે સતત ખોડીબારામાં બેઠા છે અને દિલ્હીના રાજકારણના તેમ જ વડાપ્રધાનપદના એક નિરાશ્રિત’’ છે... અને મરાઠી માણુસ’’ને વડાપ્રધાન બનવું છે તે તેમનું સપનું સાકાર થશે નહીં. આજે તો એટલી હદે આ માણસ ખોડીબારામાં બેસી બેસીને કંટાળ્યો છે કે પોતે વડાપ્રધાનપદ મેળવવાનાં સપનાં જોવાને બદલે કહેવા માંડયો છે કે મોદી મારા મિત્ર છે!!!’’ ખરેખર રાજકીય નવલકથા’’ લખવી હોય તો તેમાં શરદ પવારને હીરો બતાવવા જોઈએ. તેને શું જોઈએ છે? ખેતીની અઢળક જમીન, દ્રાક્ષની ખેતી અને તેમાંથી થતાં દારૂના કમાઉધર દીકરા કે વડા પ્રધાનપદ? આના જવાબો કદાચ તેમની ટૂંકી બાયોગ્રાફિમાંથી મળે.
તેમનું આખું નામ છે શરદચંદ્ર ગોવિંદરાવ પવાર. ૧૨-૧૨-૧૯પ૦ના રોજ માતા-શારદાબાઈને પેટે જન્મેલા શરદ પવારના પિતા સામાન્ય સ્થિતિના બારામતી ફાર્મ‌ર્સ કો-ઓપરેટિવના એક માત્ર નોકર હતા. બારામતીથી ૧૦ કિલોમીટર દૂર કાતેવાડીમાં માતા શારદાબાઈ તેનાં ૧૦ બાળકોને ઉછેરતી. શારદાબાઈનો હાથ શરદ પવારને મહત્ત્વાકાંક્ષી બનાવવામાં હતો. રાજકારણમાં પ્રવેશ્યા પછી ૧૯૬૭માં શરદ પવાર કોંગ્રેસની ટિકિટ ઉપર મહારાષ્ટ્ર વિધાનસભાના ૧૯૬૭માં સભ્ય બન્યા. ત્યારથી તે યશવંતરાવ ચવ્હાણનો ચેલો બની ગયા. પરંતુ રાજકારણમાંથી પૈસા કેમ બનાવવા તે યશવંતરાવ ચવ્હાણના નામના ગુરુ’ને આવડયું નહીં તે ચેલાને આવડયું. થોડો સમય તો રાજકારણમાં ચોખ્ખા હાથ રાખનારા અને મરતી વખતે નાણાકીય ભીડમાં આવેલા યશવંતરાવ ચવ્હાણનો ચેલો આજે તો કરોડપતિ છે કે અબજપતિ છે તે શરદ પવાર જ જાણે. આજે જ્યારે તેઓ કહે છે કે મોદી મારા મિત્ર છે’’ ત્યારે હવે તેલ જોશે, તેલની ધાર જોશે અને ચૂંટણી પૂરી થતાં તેને લાગશે કે મોદીને હવે સત્તા નહીં મળે તો શરદ પવાર તેના આ મિત્રને ભૂલીને જીસ કે તડમેં લડ્ડ ઉસકે તડ મેં હમનો નિયમ પાળશે. ખરેખર ભારતીય પેચિદા રાજકારણનો ઔર પેચિદો આદમી છે. પણ આજકાલના તેમના બયાન પરથી લાગે છે કે મોદીથી દિલ્હીની ગાદી દૂર છે. શરદ પવારની અટકમાં પવારને બદલે પાવર’ શબ્દ હોવો જોઈએ.
શરદ પવારના પિતા ગોવિંદરાવ કરતાં કુટુંબમાં તેની માતા શારદારાવનું જ ચાલતું. દા.ત.યુથ લીડર તરીકે શરદ પવારને ઈજિપ્ત જવાનું આમંત્રણ મળ્યું ત્યારે પિતાએ આ લાડકા બેટાને ના પાડી. પિતાએ કહ્યું બેટા, ભણતર પૂરું કર પછી જજે’’ પણ માતા શારદાબાઈએ કહ્યું ના...ના... તેને ઈજિપ્ત જવા દો અને દુનિયાને જાણવા દો.’’ આમ માતાને કારણે શરદ પવારે દુનિયાને તો ઓછી જાણી પણ હિ‌ન્દુસ્તાન અને તેના રાજકારણની આંટીઘૂંટી વધુ જાણે છે. કોલેજમાં અને સ્કૂલમાં પવાર કબડ્ડી કબડ્ડી ((હુતુતુ))ના ચેમ્પિયન હતા ઉપરાંત કુસ્તીના દાવ પણ જાણતા. કોલેજમાં શરદ પવાર ક્રિકેટર હતા. નેશનલ એન્ડ એશિયન કબડ્ડી ફેડરેશનમાં તેઓ હોદ્દેદાર હતા. કેરળથી મણીપુર સુધી કબડ્ડીના પ્રચાર માટે ભારતમાં અને જાપાન, બાંગલાદેશ, શ્રીલંકા અને મલેયશિયા સુધી ફરી વળેલા! કબડ્ડી માટે!!
માતાના સંસ્કારને કારણે તેમણે નાતજાતનો ભેદ છોડેલો. ૧૯૭૨માં મુંબઈની ભીંડી બજારમાં હુલ્લડો થયાં ત્યારે તેમણે પ્રધાન હતા એટલે મુસ્લિમોને તેમના વિસ્તારમાં ફરી હૈયાધારણ આપેલી. પણ તેમને ભારતના વડાપ્રધાનપદનાં સપનાં જોવડાવવા માટે કોઈ ગુનેગાર હોય તો મરાઠી તેમ જ મુંબઈના અંગ્રેજી પત્રકારો હતા. એ વાંચી શરદ પવારનું માથું ભમી ગયું અને તે વડાપ્રધાનપદનાં સપનાં જોતાં હતાં. શરદ પવારે હમણા જે કહ્યું કે હું તો નરેન્દ્ર મોદીનો પ્રશંસક છું’’ તે તેની જુની ટેવ છે.
શરદ પવાર મુંબઈમાં જુહુના બંગલામાં ગુજરાતી ઉદ્યોગપતિની પાર્ટીમાં જાય. બોમ્બે ડાઈંગના નસલી વાડિટયા સાથે એરપો‌ર્ટ પર તમે શરદ પવારને આત્મિયતાથી વાત કરતા જુઓ. બ્રિટાનિયા બિસ્કિટવાળા રાજન પિલ્લઈ કે બોફો‌ર્સ તોપના કૌભાંડવાળા અશોક હિ‌ન્દુજા કે ગુજરાતી દાનવીર દીપચંદગાર્ડી સાથે જુઓ. કચ્છીઓમાં રવિભાઈ સંઘોઈ કે હિ‌ન્દુસ્તાન કન્સ્ટ્રકશનના અજિત ગુલાબચંદ સાથે જુઓ. આ તમામ તેના મિત્રો કોઈ અસલ તો કોઈ માત્ર સત્તાના મેવા મિત્ર.’’ ભારત દેશમાં સૌથી કિંમતી ચીજો જમીન છે. તે જમીન’’ નામનું સોનું’’ શરદ પવાર પાસે અઢળક છે. વારસમાં માત્ર એક પુત્રી છે, તેને હવે તે ૭૪ની ઉંમરે થોડો થોડો રાજકીય વારસો અને કેમ ખોડીબારામાં બેસવું તે શીખવી રહ્યા છે. પણ મરાઠી ભાયડો છે એટલે જડબાના કેન્સરને હરાવી શક્યો છે. તે કોને કોને હરાવે છે કે કોની સામે હારે છે તે પ્રશ્ન બહુ કઠિન છે. શરદ પવારને જો કોઈ હરાવનાર હોય તો તેના ગ્રહો છે. આ બધુ લખું છું છતાં પવારનો સત્તા ઉપર આવનાર પક્ષે ઉપયોગ કરી તેના રાજકારણના અનુભવનો લાભ લેવો જોઈએ. જો રાજકારણ બાપ’’ હોય તો તે કહેશે છોરું કછોરું થાય પણ માબાપ ન થાય’’!