• Gujarati News
  • વિવર પાસે ગ્રે કાપડ લઈ પિતા પુત્રની ૨૦ લાખની છેતરપિંડી

વિવર પાસે ગ્રે કાપડ લઈ પિતા-પુત્રની ૨૦ લાખની છેતરપિંડી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત
ખરવારનગરના એક વિવરને નિયમીત પેમેન્ટ કરવાનો વિશ્વાસ આપી અગ્રવાલ પિતા-પુત્ર અને પુત્રી એમ ત્રણ જણાએ એકબીજાની મદદગારીથી ગ્રે કાપડની ખરિદી કરીને પેમેન્ટના આપવાને બહાને ખાલી એકાઉન્ટના ચેક પધરાવી દેતા ચેક બાઉન્સ થયા હતાં. એટલું જ નહી એનટીએમ માર્કેટ પાસેની તેમની દૂકાન બંધ કરીને નાસી છૂટતા ૨૦ લાખની છેતરપીંડીની ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકે નોંધાઈ હતી.
ઉધના ખરવરનગરમાં રામલખન એપા‌ર્ટમેન્ટના કૌશિક પટેલ વિવર છે. તેમને ત્યાં ગત ડીસેમ્બર ૨૦૧૩ના રોજ રીંગરોડ ગાંધી કોલેજ સામે વિજયાનગરના જગદીશ અગ્રવાલ તેનો પુત્ર રાહુલ તથા રજનીબેન જગદીશ અગ્રવાલે આવીને અમારી સાથે વેપાર કરવા તથા નિયમિત પેમેન્ટ આપવાની વાતો કરીને વિશ્વાસ કેળવ્યો હતો. અગ્રવાલ પિતા-પુત્રની વાતમાં આવી ગયેલા કૌશિકભાઈએ તેથી ૨૦ લાખ ઉપરાંતનો ગ્રે કાપડનો માલ આપી દીધો હતો. તેમના બદલામાં રાહૂલ અને રજનીની સહીવાળા ચેકો આપ્યા હતાં. આ ચેક બેંકમાં જમા કરાવતા તમામ ચેકો રિટર્ન થયા હતાં. તે અંગે કહેતા અગ્રવાલ પિતા-પુત્રએ પેમેન્ટ કરવાથી હાથ ઉંચા કરી દીધા હતા. તેમજ એનટીએમ માર્કેટની ગલીમાં કાગદીની ચાલીની શેરીમાંની દૂકાન બંધ કરીને ઉઠમણું કરી નાસી ગયા હતાં. આ અંગે કૈશિક પટેલે સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ કરતા વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરાયો હતો.