• Gujarati News
  • ટ્રાફિક ડકને દાઢી રાખવાની અશિસ્ત ભારે પડી ગઈ

ટ્રાફિક ડકને દાઢી રાખવાની અશિસ્ત ભારે પડી ગઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત
ડિસિપ્લિન્ડ એવા પોલીસ ડિપા‌ર્ટમેન્ટમાં બાવા જેવી દાઢી રાખી લોકોને ટ્રાફિકનું શિસ્ત સમજાવતા પીઆઈને ઉચ્ચ અધિકારીની નારાજગીનો ભોગ જાહેરમાં બનવું પડયું હતું. કોઈને પણ ખખડાવવા જાણીતા આ ઉચ્ચ અધિકારીએ મિટિંગમાં બાવા’ બનીને આવેલા પીઆઈને બધા વચ્ચે ખખડાવ્યા બાદ પીઆઈ હવે ક્લિન શેવમાં જ બહાર નીકળે છે.
ચૂંટણીના કારણે મહિ‌ના પહેલા પીઆઈ કક્ષાના અધિકારીઓની બદલી થઈ હતી. જેમાં એક સિનિયર પીઆઈને સુરતના ટ્રાફિક સેક્ટરમાં નિમણૂંક થઈ હતી. આ પીઆઈ વર્ષોથી દાઢી રાખતા હતા. તેમણે વિચાર્યું કે, ચૂંટણી હોવાથી શિસ્તના આગ્રહી ઉચ્ચ અધિકારીની પણ બદલી થઈ જશે. તેમના સ્થાને બીજા અધિકારી આવશે ત્યારે તેમની પાસેથી પરમિશન લઇશું. પીઆઇની આ ગણતરી ઉંધી પડી ગઈ. ઉચ્ચ અધિકારીની બદલી ન થઈ અને તેમણે એક મિટિંગ બોલાવી હતી. અઠવાડિયા પહેલા આ મિટિંગમાં પીઆઈને પણ બોલાવાયા હતા. પીઆઈ ઉચ્ચ અધિકારી સમક્ષ આવતાં જ એસીમાં બેઠેલા અધિકારીનો દિમાગનો પારો ગયો હતો. તેમણે પીઆઈને ખખડાવ્યા અને દાઢી કાઢી નાખવા સૂચના આપી હતી. પીઆઈને હવે તેમને નિવૃત્ત થવાના ગણતરીના મહિ‌ના બાકી છે ત્યારે તેમને દાઢી કાઢી નાખવાની ફરજ પડી છે. પીઆઈ સાથે બનેલી આ ઘટના વાયુવેગે પ્રસરી જતાં પોલીસ બેડામાં ચર્ચા જામી હતી. ઘટનાની અસર એવી પડી છે કે, હવે પોલીસ મથકમાં જે પોલીસકર્મી‍ઓ અઠવાડિયામાં એકાદ દિવસ પણ શેવિંગ કરવાનું ટાળતાં હતા તેઓ હવે શેવ ન કરવાની ભૂલ કરતા નથી.