• Gujarati News
  • ભાવે અબ્રાહમ, જિજ્ઞેશ શાહ પણ સીબીઆઇના સાણસામાં

ભાવે-અબ્રાહમ, જિજ્ઞેશ શાહ પણ સીબીઆઇના સાણસામાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીટીઆઇ, નવી દિલ્હી
સીબીઆઇએ નેશનલ સ્પૉટ એક્સચેન્જના પ્રમોટર જિજ્ઞેશ શાહ સહિ‌ત એનએસઇએલના અધિકારીઓના મુંબઈ ખાતેની ઓફિસ સહિ‌ત દેશભરમાં ૧પ જુદા-જુદા સ્થળે દરોડા પાડ્યા છે. સેબીના પૂર્વ વડા સીબી ભાવે તેમજ પૂર્વ સભ્ય કેએમ અબ્રાહમ સામે પણ પ્રથમદર્શનીય તપાસ શરૂ કરી છે. સરકારી માલિકીની ટ્રેડિંગ કંપની પીઇસીના રોકાણમાં ગેરરીતિના સંદર્ભમાં સીબીઆઇએ આ કાર્યવાહી કરી હતી. આ ગેરરીતિને પગલે સરકારી તિજોરીને ૧૨૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
સીબીઆઇએ એનએસઇએલમાં પીઇસીએ કરેલા રોકાણમાં ગેરરીતિ આચરવાનો કેસ નોંધ્યા બાદ દરોડાની કાર્યવાહી કરી હતી. સીબીઆઇએ ફોજદારી કાવતરાનો કેસ નોંધીને છેતરપિંડી તથા એન્ટિ-કરપ્શન એક્ટ હેઠળની કલમો લાગુ કરી છે.
સીબીઆઇના જણાવ્યા પ્રમાણે મુંબઈ, કર્નાલ તથા દિલ્હીમાં નવ જગ્યા સહિ‌ત કુલ ૧પ સ્થળોએ વહેલીસવારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે સ્થળોએ સીબીઆઇએ દરોડા પાડયા હતા એમાં પીઇસીના પાંચ અધિકારીઓના નિવાસસ્થાન પણ સામેલ હતા જેમાંથી ચાર મુંબઈમાં આવેલા છે. આ ઉપરાંત એનએસઇએલના બે અધિકારીઓના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. સીબીઆઇના અધિકારીઓએ એનએસઇએલના સાત અધિકારી તથા પીઇસીના છ અધિકારીઓના ટ્રાન્ઝેકશનોની તપાસ કરી છે. કટોકટીગ્રસ્ત એનએસઇએલમાં સરકારી માલિકીની ટ્રેડિંગ કંપની એમએમટીસી તથા પીઇસીના કુલ ૩૪૩ કરોડ રૂપિયા અટવાયેલા છે. ગુરુવારે મુંબઈ પોલીસની આર્થિ‌ક ગુના શાખાએ પીડી એગ્રોના મેનેજીંગ ડિરેક્ટર સુરેન્દર ગુપ્તાની અરેસ્ટ કરી હતી. આ કેસમાં અબ્રાહમે ૨૦૧૧માં સરકારને પત્ર લખ્યો હતો કે, એમસીએક્સ સહિ‌ત કેટલાંક પ્રમોટ‌ર્સ સામે હળવા હાથે કામ લેવા નાણામંત્રાલયે સુચના આપી હતી. પરંતુ આ આક્ષેપને નાણામંત્રાલયે નકારી કાઢયો હતો. આ કૌભાંડના પગલે એમસીએક્સ-એસએક્સના ચેરમેન પિલ્લાઇ અને વાઇસ ચેરમેન થોમસ સહિ‌ત કેટલાંક હોદ્દેદારો રાજીનામાં આપે તેવી વકી છે.