• Gujarati News
  • સાસરિયા ગેરહાજર રહેતા નારાજ કો‌ર્ટે પીડિતાને ખર્ચની રકમ અપાવી

સાસરિયા ગેરહાજર રહેતા નારાજ કો‌ર્ટે પીડિતાને ખર્ચની રકમ અપાવી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . સુરત
દહેજ માટે ત્રાસ ગુજારવાના કેસમાં તારીખ પર પતિ તેમજ સાસુ ગેરહાજર રહેતા સાસરિયાને કો‌ર્ટે રૂ. બે હજાર ખર્ચ પેટે ફરિયાદી પીડિતાને આપવા આદેશ કર્યો છે. વડોદરાની પરિણીતા પાસે રૂપિયા પાંચ લાખ દહેજ પેટે માંગનારા પતિ અને સાસરિયાઓ સામે પરિણીતાએ કેસ દાખલ કર્યો હતો.
કેસની વિગત એવી છે કે મૂળ વડોદરાની રૂકૈયાના લગ્ન વડોદરાના જ રહેવાસી જહીર કાઝી સાથે થયા હતા. બંને તરફે આ બીજા લગ્ન હતા. લગ્ન બાદ પતિ અને પત્ની સુરત રાણીતળાવ ખાતે રહેવા આવ્યા હતા. પતિ અને સાસરિયાઓ દ્વારા પરિણીતા પાસે રૂ. પાંચ લાખનું દહેજ આપવા દબાણ થતું હતું. પતિ જહીર સોફટવેર એન્જિનિયર છે. જહીરને હૈેદરાબાદ નોકરી મળ્યા બાદ ત્યાં પણ પરિણીતાને દહેજ માટે શારીરિક અને માનસિક ત્રાસ ગુજારાતો હતો.
પરિણીતા નાછૂટકે પિતાના ઘરે પરત ફરી હતી. રૂકૈયાએ સુરત કો‌ર્ટમાં પતિ ઉપરાંત દિયર જુબેર, સસરા નસદ અને સાસુ જહીરા સામે એડવોકેટ દિલશાદ પાલેજવાલા હસ્તક ફરિયાદ કરી હતી. આ કેસમાં આજે તારીખ હતી પરંતુ દિયર અને સસરા હાજર રહ્યા હતા જ્યારે પતિ અને સાસુ ગેરહાજર રહ્યા હતા. કો‌ર્ટે આ ગેરહાજરીની ગંભીર નોંધ લેતા ફરિયાદીને ખર્ચ પેટે રૂપિયા બે હજાર ચૂકવવા જણાવ્યું હતું.