• Gujarati News
  • પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ હનુમાનજી, મહારાજ સાહેબના શરણે

પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ હનુમાનજી, મહારાજ સાહેબના શરણે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત
ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ શરૂ થવાની સાથે જ વિદ્યાર્થી‍ઓની ધાર્મિ‌કતામાં વધારો થઇ ગયો છે. મોટા ભાગના વિદ્યાર્થી‍ઓ આત્મવિશ્વાસ કેળવવા મનોચિકિત્સક કરતા પણ મંદિર કે જૈન દેરાસરમાં જવાનું વધારે પસંદ કરે છે. વિદ્યાર્થી‍ઓના આત્મવિશ્વાસમાં વધારો થાય અને તેમનું મનોબળ મજબુત રહે તે માટે મંદિરના મહારાજ અને જૈન મુનિઓ પણ તેમને વિવિધ રૂપે સહકાર આપીને આશાના તાંતણે બાંધે છે.
વિદ્યાર્થી‍ઓ મોટા ભાગે સગરામપુરા ખાતે ક્ષેત્રપાળ હનુમાન દાદાના દર્શને જવાનું ચુક્તા નથી. ક્ષેત્રપાળ દાદાના કાળા રંગનો દોરો મહારાજ રાકેશ પ્રસાદના હાથે જમણા હાથે બંધાવીને વિદ્યાર્થી‍ઓ માનસિક રીતે મજબુત થાય છે. કેટલાક વિદ્યાર્થી‍ઓ શનિવાર કે મંગળવારનો ઉપવાસ કરીને હનુમાનજીની આરાધના કરવા સાથે શ્રીફળ વધેરવા કે, લીંબુ મરચાં ઘરના દરવાજે બાંધવા માટે મંદિરમાં પહોંચી જાય છે.
શહેરના જૈન સમાજના અગ્રણી સુરેશભાઇ શાહના જણાવ્યા પ્રમાણે, જૈન સમાજના વિદ્યાર્થી‍ઓ મોટા ભાગે ઉપાશ્રયોમાં જઇને મહારાજ સાહેબ પાસે સરસ્વતી આરાધનાનો મંત્ર મેળવે છે. ઉપરાંત વાસક્ષેપ કરાવવાનું ચુક્તા નથી અને મહારાજશ્રીઓએ મંત્ર દ્વારા ખાસ અભિભૂત રક્ષા પોટલી હાથ પર બંધાવવાનો પણ આગ્રહ રાખે છે. રક્ષા પોટલી બાંધવાથી પેપર લખવામાં હાથ સરળતાથી ચાલશે એવુ વિદ્યાર્થી‍ઓ માને છે. પેપર લખતી વખતે જો કોઇ પ્રશ્નનો જવાબ યાદ ન આવતો હોય તો સરસ્વતી મંત્રનું સ્મરણ કરવાથી તેમને તે જવાબ યાદ આવશે એવું તેઓ માને છે.