• Gujarati News
  • મોદી પીએમ બનશે ત્યારે વિઝા નીતિ અંગે વિચારીશું : અમેરિકા

મોદી પીએમ બનશે ત્યારે વિઝા નીતિ અંગે વિચારીશું : અમેરિકા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી . વોશિંગ્ટન
અમેરિકાએ ફરી એક વખત જણાવ્યું છે કે ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અંગે તેમણે વિઝાની નીતિમાં કોઈ જ ફેરફારો કર્યા નથી. અમેરિકાના સહાયક વિદેશ પ્રધાન નિશા બિસ્વાલે જણાવ્યું છે કે અમેરિકાએ તમામ ચૂંટાયેલા નેતાઓનું સ્વાગત કર્યું છે. ભારતનાં ચૂંટાયેલા નેતાનું પણ સ્વાગત કરવામાં આવશે.
બિસ્વાલનાં આ નિવેદન અંગે સ્પષ્ટતા માગવામાં આવતાં અમેરિકાનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા જેન સાકીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના કારણે વિઝાની નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેઓ અરજી કરે તો તે અંગે વિચારણા કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં હજી સુધી ચૂંટણી થઈ નથી તેથી મોદી વડાપ્રધાન બનશે તો તેમને વિઝા આપવામાં આવશે કે નહીં તે અંગે અત્યારથી કશું જ કહી શકાય તેમ નથી. આ મુદ્દે ભારતનાં ચૂંટણી પરિણામો આવે તે બાદ જ વિચાર કરી શકાય તેમ છે. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીનાં પરિણામો બાદ જે પણ વડાપ્રધાનપદે આવશે તેની સાથે કામ કરવા અમેરિકા ઉત્સુક છે. ઉલ્લેખનીય છે કે અમેરિકી સરકારે ૨૦૦૨નાં રમખાણો બાદ નરેન્દ્ર મોદીનો વિઝા રદ કરી નાખ્યો હતો. તે બાદ મોદીએ વિઝા માટે અરજી નથી કરી. તેના કારણે ભાજપ તેને મુદ્દો બનાવી રહ્યો છે. ભારતીય નેતાઓ સાથે કરેલી મુલાકાતના દોર દરમિયાન અમેરિકી રાજદૂત નેન્સી પોવેલે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. લગભગ ૧૨ વર્ષ બાદ લેવામાં આવેલી આ મુલાકાતને કારણે અમેરિકાનું વલણ મોદી પ્રત્યે નરમ પડી રહ્યું હોવાનું સમાચાર માધ્યમોને લાગ્યું હતું.