• Gujarati News
  • ડુંગળીને ખરેખર કોણ આટલી મોંઘી કરે છે?ડુંગળીના ભાવની રામાયણ ભયાનક પ્રમાણમાં રાખ અને ધૂળ’ નાખીને

ડુંગળીને ખરેખર કોણ આટલી મોંઘી કરે છે?ડુંગળીના ભાવની રામાયણ ભયાનક પ્રમાણમાં રાખ અને ધૂળ’ નાખીને આપેલ કાંદાને સાવ વંઠાવી નાખ્યા છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જે વાત કાંદા-ડુંગળીની કરવી છે પણ શરૂઆત ધનિકોથી કરવી છે. સાહિ‌ત્યકાર-રાજકારણી જ્હોન આડમ્સે લખેલું કે રીચીઝ એટ્રેક્ટ એટેન્શન, કન્સીડરેશન ઓફ મેનકાઉન્ડ.’ અર્થાત્ ધનિક લોકો જ તેની ફરિયાદો તરફ ધ્યાન દોરી શકે છે. તેના ઉપર જ સરકાર વિચાર કરે છે. ભલે ભલે થવા દો. ભલે લોકો પાસે ધન હોય અને ધન હોય તો તો સાથે આંસુ હશે. વળી વધુને વધુ આંસુ હશે કારણ કે તેને ધનને નાની નાની બાબતમાં બચાવવું છે. ડુંગળી જેવી નાની ચીજમાં પણ ધનિકને ધન બચાવવું છે. આજે ટેલિવિઝન કે છાપાવાળા ડુંગળીના ભાવ રૂ. ૮૦ થઈ ગયા છે એટલે બૂમાબૂમ કરે છે. ખરેખર તો ગરીબ બિચારા આ ભાવ જોઈ દિગ્મૂઢ થઈ ગયા છે પણ તમે જાણો છો કે ગરીબોથી આઠગણા કાંદા ધનિકો ખાય છે. તમે મદ્રાસી રેસ્ટોરાંમાં જજો. કાંદાથી ગંધાતો અને કાંદાથી ભરપૂર મસાલો ઢોંસો જે રૂ. ૬૦નો મળે છે અને દિલ્હીમાં તો રૂ. ૧પ૦નો ય ઢોંસો મળે છે તે માત્ર ધનિકો જ ખાય છે! ખૂબ ખાય છે! અકરાંતિયા થઈને ખાય છે. ફ્રેંચ વિદ્વાને તો કહ્યું છે કે ખાઉધરા માણસને કાન જ હોતા નથી!
કાંદાવાળી વાનગી હોય તો ધરાયેલા માણસને પેટ ભરેલું હોય તોય ભૂખ લાગી જાય છે! પણ હવેના કાંદા પહેલાની જેવા ઔષધિય લાભ કરતા નથી, કારણ કે તેમાં પેસ્ટીસાઈડઝ, કેમિકલ્સ અને અનેક જાતના કુસંસ્કારો તેના ઉપર કરાય છે. ઉત્પાદન વધારવા માટે આ રસાયણનું પાપ કરાય છે. એટલે જો તમારી જીભને રોકી શકતા હોય તો આજનાં કાંદા માટે જૈન કે સ્વામિનારાયણ પંથી બની જવું સારું છે, પણ જો તમને રાસાયણિક ખાતર વગરના ઓર્ગેનિક ખાતર કે ખાસ છાણિયું ખાતર વાપરેલા કાંદા મળે તો જરૂર ખાજો. આજે જ્યારે સરકાર ઈજિપ્તના કાંદા આયાત કરે છે તે દેશને ડબલ નુકસાન કરે છે. હુંિંડયામણ બગાડે છે અને એ ફીક્કા રંગના કાંદા કેમિકલ્સ અને પેસ્ટીસાઈડઝથી ભરપૂર હોય છે. જો તમે દક્ષિણ ભારત ગયા હોય ત્યાં હું ગયો છું અને ત્યાં મટલુર નામની ડુંગળી મળે છે. એને તમારા દેખતો વાવે’ છે પણ તમારી દેખતાં જમીનમાથી ઉખેડે છે. તેમાં ઉપરનાં લીલાં પાંદડાં સહિ‌ત ઊંચકે છે. એ મટલુર ડુંગળી જો રાસાયણિક ખાતર વગરની હોય તો શ્રેષ્ઠ છે. ઉપરાંત હું દક્ષિણ ભારતમાં તામિલનાડુ અને આંધ્રમાં ફર્યો છું. ત્યાં એકદમ નાના કદની પોડીસુ’ ડુંગળી મળે છે. તે આખે-આખા દક્ષિણ ભારતના લોકો સાંભારમાં ((દાળ-શાક)) નાખે છે. જો એ પોડીસુ રાસાયણિક ખાતર વગરની હોય તો શ્રેષ્ઠ છે. મારા મહુવા-તળાજાના પંથકમા હવે ખેડૂતો રાસાયણિક ખાતર વગરની ડુંગળી પકાવે છે. એ જો મળે તો શ્રેષ્ઠ છે. હું લખી ગયો છું કે કાંદો બાંધે મરદનો બાંધો.’ એટલે ડુંગળી સસ્તી હોય કે મોંઘી ડુંગળી જીવનમાં અને અખબારમાં છવાયેલી રહેશે.
વિયેનાના ((ઓસ્ટ્રીયા)) ડો. એમ. એ. કલીન કહે છે કે જો ડુંગળી રાસાયણિક ખાતર કે પેસ્ટીસાઈડઝ વગરની હોય તો રશિયન બાયોકેમિસ્ટોએ રશિયાના ડિકટેટરોના હુકમથી પુરવાર કર્યુ છે કે ડુંગળીમાં જે સ્લફર અને એલાઈલ-પ્રોપીલ છે તે ઘણા રોગ માટેની ઢાલ છે. તકલીફ એ છે કે ડુંગળી બે મોઢે ખવાય છે તેને દવાની જેમ’ ખાવી જોઈએ, તો આંતરડાનાં જંતુ મારે છે. જો વધુ પડતી ખાય તો આંતરડાને તકલીફ પેદા કરે છે. યુરોપમાં ફૂડ પોઈઝનિંગ થાય તો કાંદાને વિનેગર સાથે ખવરાવી દેતા. ઘણી સ્ત્રીઓના પગ શિયાળામાં ફાટી જાય છે તેણે ડુંગળીનો રસ તળિયે ચોપડવો પડતો. મલેશિયામાં ઘણી વખત તોફાન રોકવા ટીયરગેસ છોડાતો ત્યારે ઘણા ચીના ખિસ્સામાં કાંદો લઈને બજારમાં જતા. કાંદાથી ટીયરગેસ અસર કરતો નથી. તમારે ખરેખર લાલઘૂમ કાંદાની લિજ્જત માણવી હોય અને જો પાકિસ્તાની-સિંધમાં તમને કેમિકલ્સ વગરના કાંદા મળે તો તેના જેવા બળદાયીને ર્વીયવર્ધક કાંદા જગતમાં ક્યાંય મળતા નથી. કાંદા ખાવા સિંધ જવું જોઈએ.
રશિયન બાયોકેમિસ્ટોએ ડુંગળીમાંથી જંતુનાશક રસાયણ શોધી કાઢેલું તે છૂટું પાડયા પછી ખબર પડી કે પાક વધારવા રાસાયણિક ખાતર નખાય છે તેને કારણે આ સલ્ફરનું તત્ત્વ વિકૃત થાય છે.
મારા બચપણમાં તાવ આવતો ત્યારે ગામના વાળંદ રામજીદાદા ઘરે આવે. કાંદા ખમણે. તેમાં સૂંઠ નાખે પછી તેને હલાવીને મારા આખા શરીરને ખરડ કરે. એટલે બીજે જ દિવસે તાવ ઊતરી જતો! રોમન લોકો આ ઔષધિય ગુણ માટે જ ભારતના કાંદાના બીજ લઈ ગયેલા. ઈટાલીથી કાંદાના બી ઈંગ્લેન્ડ ગયા. ઈજિપ્તમાં તો ૩૨૦૦ વર્ષથી ડુંગળી પાકે છે પણ વધુ ને વધુ પાક લેવા ત્યાં ભયંકર પ્રમાણમા રાખ ને ધૂળ’ નાખીને ડુંગળીને સાવ વંઠાવીને બગાડી નાખી છે. તે માત્ર નામની ડુંગળી રહી છે.
ખરેખર તો ડુંગળીનું બહુમાન લેટિન ભાષામા થયું છે. ડુંગળીને લેટિનમાં યુનુસ કહે છે. યુનુસ એટલે વન.’ ઉપરથી ઓનિયન નામ પડયું. હું બી.કોમ. થઈને ઉરૂલીકાંચનમાં રૂ. ૬૨ની સેવાવૃત્તિથી ત્યાં રહી ગયેલો, પણ પછી મારા કાકાએ મને મલેશિયા બોલાવ્યો ત્યાં તેઓ પિનાંગમાં કાંદાના આયાતનો વેપાર કરતા હતા! નિસર્ગોપચાર આશ્રમના સેવકમાંથી હું કાંદાનો વેપારી બની ગયો અને આખી દુનિયાની કાંદાબજાર જાણી. કાંદાના ફાયદા તેમજ ગેરફાયદા પણ છે. તેનો વધુ પડતો ઉપયોગ કરવાથી તે શરીરમાં વધુ યુરિક એસિડ પેદા કરે છે જે સાંધાનો દુખાવો ઊભો કરે છે! સામાન્ય માનવી માટે કાંદા લાભપ્રદ છે, તેને મોંઘા કરનાર ધનિક લોકો જ છે. હું ગરીબોને અપીલ કરું છું કે તમારે નામે ધનિકો જે રૂ. ૬૦નો કે રૂ. ૮૦નો ડુંગળીવાળો મસાલો ઢોંસો અને બીજા કાંદાના શોખ કરે છે તે જ કાંદા વધુ ખાય છે.-મોંઘા કરે છે. જો ભારતની સરકાર ખેડૂતના હિ‌તમાં કામ કરતી હોય તો કાંદા હજી ખેડૂતના ખેતરમાં ડુંગળીનો પાક આવવાનો હોય તે પહેલાં જ કાંદાના ભાવ ઊંચા રાખે. ટકાવી રાખે. ગામડાનો સામાન્ય ખેડૂત કમાય ત્યાં સુધી ડુંગળીના ભાવ સાથે કોઈ ધોબાચાળો ન કરે. એકદંરે ખેડૂતને જ ડુંગળીના ઊંચા ભાવનો લાભ મળવો જોઈએ એવું કઠોર સત્ય જાણનાર જ ખેડૂતનો ઉદ્ધારક બનશે. બાકી જે જે લોકો ખેતીના પાકને સસ્તા રાખે તે તમામ પાપીયા છે. ખેડૂતોને આપઘાત કરાવે છે. ખેતરમાં પાકતા તમામ પાક મોંઘા હોવા જોઈએ.