• Gujarati News
  • ૪ લાખ શ્રદ્ધાળુઓએ સૂર્યની આરાધના કરી

૪ લાખ શ્રદ્ધાળુઓએ સૂર્યની આરાધના કરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત
સુરતમાં વર્ષોથી વસવાટ કરતા બિહાર સમાજના લાખો પરિવારોએ પોતાના પ્રદેશની સૂર્ય છઠ્ઠ પુજાની ધાર્મિ‌ક પરંપરા જાળવી રાખી છે.શુક્રવારે શહેરમાં જહાંગીરપુરા પાસે આવેલા ઇસ્કોન મંદિર પાસે, કોઝવે, વેડરોડ અને ડીંડોલી તળાવ પાસે એમ ચાર જુદા વિસ્તારમાં સૂર્યની આરાધના માટે બિહારી સમાજના લોકો પરિવાર સાથે ઉત્સાહપૂર્વક જોડાયા હતા. બે કલાક સાંજે અને ફરી મળસ્કે ૪ વાગ્યાથી બે કલાક માટે પાણીમાં ઉભા રહીને સૂર્યને નમસ્કાર કરવાની વર્ષોની પ્રણાલી તેઓએ જાળવી રાખી હતી. નાવડી ઓવારે અને વિયર કમ કોઝવે પાસે તો જંગી માનવમેદની ઉમટી પડી હતી.
બિહાર વિકાસ પરિષદના પ્રમુખ સુનિલ મિશ્રાએ કહ્યું હતું કે વેપાર ધંધા કે નોકરી માટે બિહારથી અંદાજે ૪ લાખ લોકો સુરત આવીને વસ્યા છે.બિહારમાં સૂર્ય છઠ પુજાનું અદકેરું મહત્ત્વ છે અને એ પરંપરા અમે છેલ્લાં દશેક વર્ષથી સુરતમાં પણ જાળવી રાખી છે.
આ દિવસે બિહાર સમાજના લોકો પરિવાર સાથે નદી કાંઠે એકઠા થાય છે અને સાંજે સૂર્ય અસ્ત થતો હોય ત્યારે પાણીમાં ઉભા રહીને સૂર્ય નમસ્કાર કરે છે અને ફરી વહેલી સવારે ૪ વાગ્યે જયારે સૂર્યોદય થવાનો હોય છે ત્યારે બે કલાક પાણીમાં ઉભા રહીને સૂર્યનું સ્વાગત કરવામાં આવે છે.મિશ્રાએ કહ્યું હતું કે બિહાર સમાજ માટે આ એક જબરદસ્ત ધાર્મિ‌ક ઉત્સવ છે. નાના મોટા દરેક લોકો પૂજામાં જોડાય છે.કેટલાંક લોકો ઉપવાસ કરીને પારણાં કરતા હોય છે અને નદી કાંઠે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાવામાં આવે છે.ઇસ્કોન મંદીર પાસે બિહાર વિકાસ પરિષદ પાસે કરાયેલા છઠ્ઠ પુજાના આયોજનમાં દોઢ લાખ લોકો સૂર્ય પુજા માટે ભેગા થયા હતા.