તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ધનતેરસે જ નાનાવરાછાના હીરાદલાલના ૧.૮૦ લાખના ઘરેણાંની ચીલઝડપ

ધનતેરસે જ નાનાવરાછાના હીરાદલાલના ૧.૮૦ લાખના ઘરેણાંની ચીલઝડપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વરાછા
ધનતેરસના દિવસે સવારે નાના વરાછાના હીરાદલાલ પત્ની સાથે મિનીબજાર સ્થિત પ્રકાશ જ્વેલ‌ર્સના લોકરમાંથી રૂપિયા ૧.૮૦ લાખના સોનાનાં ઘરેણાં લઈને મોટરસાઇકલ પર ઘરે જતાં હતાં ત્યારે કાપોદ્રા ચાર રસ્તા પાસે વેરહાઉસ અને જલારામ ફર્નિ‌ચર વચ્ચેના રોડ પર તેમની મોટરસાઇકલ પાછળ એક પલ્સર મોટરસાઇકલ પર આવેલા બે અજાણ્યા ઈસમો પૈકી પાછળ બેઠેલાએ હીરાદલાલની પત્નીના હાથમાંથી ઘરેણાંવાળી થેલીની ચીલઝડપ કરીને પૂરપાટ ઝડપે બાઇક હંકારી પલાયન થઈ ગયા હતા. કાપોદ્રા પોલીસે વાયરલેસ મેસેજ પાસ થતાં નાકાબંધી કરી ચીલઝડપ કરનાર બંને ઈસમોને ઝડપી પાડવા સઘન પ્રયાસ કર્યા હતા પરંતુ સફળતા મળી ન હતી.
કાપોદ્રા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ભાવનગરના ગારિયાધાર તાલુકાના મોટી વાવડીના વતની અને નાના વરાછામાં મોતીનગર ઘર નંબર ૪૮ ખાતે રહેતા હિ‌મ્મતભાઈ ધરમસીભાઈ સોનાણી હીરાદલાલીનું કામ કરે છે. શુક્રવારે ધનતેરસના દિવસે હિ‌મ્મતભાઈ પત્ની ભાનુબેન સાથે સવારના ૯.૧પ વાગ્યાના અરસામાં મિનીબજાર ખાતેના પ્રકાશ જ્વેલ‌ર્સના લોકરમાંથી તેમનાં ઘરેણાં ૭ તાલોનું સોનાનું મંગળસૂત્ર, ૨ તોલાની રૂદ્રાક્ષ માળા, સોનાની ૨ વીંટી, ૧ હીરાજડિત વીંટી, પ ગ્રામની ૨ સોનાની બુટ્ટી, ૩ ચાંદીના સિક્કા મળી કુલ રૂપિયા ૧,૮૦,૪પ૦ની મતાના ઘરણાં લઈ થેલીમાં મૂકીને પરત ઘરે જઈ રહ્યા હતા. હિ‌મ્મતભાઈ બાઇક ચલાવતા હતા અને ઘરેણાવાળી થેલી પકડીને તેના પત્ની ભાનુબેન પાછળ બેઠાં હતાં. કાપોદ્રા ચાર રસ્તા પાસે વેરહાઉસ અને જલારામ ફર્નિ‌ચર વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી પલ્સર મોટર સાઇકલ ઉપર ૨પથી ૩૦ વર્ષના બે અજાણ્યા ઈસમોએ આવી ચાલુ મોટરસાઇકલ પર ભાનુબેનના હાથમાંથી ઘરેણાં મુકેલી થેલીની ચીલ ઝડપ કરીને પૂરપાટ ઝડપે મોટરસાઇકલ પર ફરાર થઈ ગયા હતા.
આ ઘટના બનતા હિ‌મ્મતભાઈ અને ભાનુબેન ડઘાઈ ગયા હતા અને બૂમાબૂમ કરી મૂકી હતી. જોકે પળવારમાં ચીલઝડપ કરનારા ધૂમ ઝડપે ગાયબ થઈ ગયા હતા. હિંમતભાઈએ તરત જ પોલીસને જાણ કરતાં કાપોદ્રા પીએસઆઈ વી.કે.પારધી સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા તથા વાયરલેસ મેસેજ પાસ થતાં જ પીસીઆર વાન, પોલીસ મોબાઈલ વાન તેમજ પીઆઈ રાઠોડ, ડીસીપી અનારવાલા, એસપી ચૌહાણ સહિ‌તના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે શહેર બહાર જતા રસ્તા પર નાકાબંધી કરાવી દઈ બંને સ્નેચરોની ભારે શોધ આદરી હતી. જોકે પોલીસને ચોરોનું કોઈ પગેરું મળ્યું ન હતું. જોકે પોલીસ તમામ રોડ પર નાકાબંધી ગોઠવી દીધી છે.