• Gujarati News
  • મહુવા સુગર ફેક્ટરીના ઈન્જેક્શન પાઈપમાં પડી જતાં કામદારનું મોત

મહુવા સુગર ફેક્ટરીના ઈન્જેક્શન પાઈપમાં પડી જતાં કામદારનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. મહુવા
મહુવા તાલુકાના બામણીયા ગામે આવેલ મહુવા સુગર ફેક્ટરીમાં રાત્રિપાળી દરમિયાન મેન્યુફેક્ચરિંગ વિભાગામાં કામ કરતાં આસિસ્ટન્ટ પેનમેન ઈન્જેક્સન પાઈપમાં આકસ્મીક રીતે પડી જતાં તેનું મોત નીપજ્યું હતું. બારડોલી ફાયર બ્રિગેડની ટીમને બોલાવી પાંચ કલાકની જહેમત બાદ પંપ હાઉસમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી.
સુગરમાં આસિસ્ટન્ટ પેનમેન તરીકે ફરજ બજાવતાં અને ફેક્ટરી કોલોનીમાં રહેતા ઉદયભાઈ રામધની પ્રસાદ ((પ૭))ગત ૧૩ માર્ચના રોજ નાઈટ સિફ્ટ હોવાથી સુગરમાં રાત્રિ દરમિયાન ૮.પ૦ કલાકે ફરજ પર આવ્યા હતાં. મધરાત્રિે ૩.૩૦ વાગ્યાના અરસામાં ફેક્ટરીમાં તેમની સાથે કામ કરતાં ઈન્ચાર્જ દયાનંદ ગોવિંદભાઈ પટેલને લઘુશંકા કરવા જાઉંછું એમ કહીને મશીન પાસેથી દૂર ગયા બાદ પરત આવ્યા ન હતાં. જેથી તેમની સાથે કામ કરતાં કામદારોએ તેમની શોધખોળ હાથ ધરી હતી.
પરંતુ તે મળી આવ્યા ન હતાં. શોધખોળ દરમિયાન ઉદયભાન પ્રસાદની ચપ્પલ ઈન્જેક્સન પાઈપની અંદરથી મળી આવી હતી. જેને લઈ ઉદયભાઈ પ્રસાદ વેક્યુમ પાઈપમાં ખેંચાઈ ગયા હોવાની શક્યતાને આધારે સુગર દ્વારા તપાસ કરવામાં આવી હતી. અને તેને બહાર કાઢવા માટે સુગરે બારડોલી નગરપાલિકાના ફાયર ઓફિસરને જાણ કરતાં બારડોલી નગરપાલિકાના ફાયર અધિકારી પી. બી. ગઢવી તથા તેમની ટીમ ૧૪મી માર્ચના રોજ બપોરે ૧૨.૩૦ કલાકે મહુવા સુગર ફેક્ટરીના બ્લોકી પંપ હાઉસમાં આવેલા સ્પ્રેપંપની સેકસલન ચેનલના પાણીમાંથી ઉદયભાઈ પ્રસાદનો મૃતદેહ શોધી કાઢયો હતો. અને આ ઘટનાને લઈ મહુવા પંથમાં ભારે ચર્ચા મચી ગઈ હતી. ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતાં મહુવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.