• Gujarati News
  • દિવાળીમાં એસ.ટી.ની લોકલ ટ્રીપ રદ કરાતા રોષ

દિવાળીમાં એસ.ટી.ની લોકલ ટ્રીપ રદ કરાતા રોષ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ખારેલ
ગુજરાત એસ.ટી. તંત્રના વલસાડ અતે સુરત વિભાગ દ્વારા દિવાળી તહેવારમાં વધુ આવક મેળવવાની લહાયમાં ગ્રામ્ય મુસાફર જનતાની એસ.ટી.ની ટ્રીપ રદ કરી દિવાળી બગાડતા મુસાફર જનતામાં ભારે આક્રોશ ફેલાયેલો જોવા મળ્યો હતો.
એસ.ટી. તંત્રના સુરત અને વલસાડ વિભાગમાંથી દિવાળીના તહેવાર પ્રસંગે સૌરાષ્ટ્ર અને પંચમહાલ વિસ્તારના વિવિધ જગ્યાએ મુસાફરોને જવા માટે એસ.ટી. તંત્રે વધારાની ટ્રીપ દોડાવી તેની સામે કોઈને વાંધો હોય ન શકે પરંતુ ગ્રામ્ય વિસ્તારની લોકલ ટ્રીપ કે જે એસ.ટી. તંત્રને સારામાં સારી આવક આપતી હોય તે લોકલ ટ્રીપ રદ કરી દિવાળી બગડવા પામી હતી. દિવાળીના તહેવારોમાં જ આવી વધુ આવક આપતી નાઈટ બસો રદ કરવાથી દિવાળી ટાંણે જ મુસાફરો અટવાયા હતા. સુરત વિભાગમાંથી દોડતી નાઈટ બસ સુરત-બીલીમોરા, સુરત-દેવધા, સુરત-ચીખલી, સુરત-એંધલ અને સુરત-વેગામ જે બસો ૩પ૦ કિ.મી.માં ૮૦૦૦થી ૯૦૦૦ રૂ. જેટલી આવક એસ.ટી. તંત્રને રળી આપે છે. આ ઉપરાંત સુરત વિભાગની ઓરણા, પીપલવાડા, માંગરોળ તરફથી તથા વ્યારા તરફથી સારી આવક આપતી ટ્રીપ રદ કરતા ભારે આક્રોશ ફેલાયેલો જોવા મળતો હતો. જ્યારે એટલીક નાઈટ બસોને એક્સ્ટ્રા બસમાં ધસારો ન હોવાને લઈને રાત્રિના ૧૨ કલાકે નાઈટમાં ખાલી રવાના કરી વહીવટનું વરવું પ્રદર્શન કર્યું હતું. આમ, દિવાળીમાં એકસ્ટ્રા બસો દોડાવી પરંતુ કિ.મી.ની દૃષ્ટિએ રદ કરેલી લોકલ ટ્રીપ કરતા ઓછી આવક મળી હતી.
તેવી જ રીતે વલસાડ વિભાગે પણ વધુ આવક આપતી લોકલ ટ્રીપ રદ કરતા લોકોની દિવાળી બગાડી હતી. એસ.ટી.ની મધ્યસ્થ કચેરીએ આ બનાવની ગંભીરતાથી વિચારી તટસ્થ તપાસ કરાવે તો ચાલતી લાલીયાવાડી બહાર આવી ચોંકાવનારી વિગતો બહાર આવશે. તથા જે બસો વધુ આવક આપતી હોય તેનું સંચાલન નિયમિત કરે એવી લોકમાગ છે.
સુરત વિભાગને એસ.ટી.ની મધ્યસ્થ કચેરીએથી સૌરાષ્ટ્ર અને પંચમહાલમાં એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવા વલસાડ વિભાગ, ભરૂચ વિભાગ અને વડોદરા વિભાગમાંથી બસો અને ક્રૂ સહિ‌તની મદદ પુરી પાડી હોવા છતાં એ બસો ન્યુનતમ ઉપયોગ કરી પોતાના વિભાગની વધુ આવક આપતી બસોને રદ કરી આવી ટ્રીપો દોડાવતા સમગ્ર વિભાગમાં ભારે ચર્ચાઓ જાગી છે એવી પણ ચર્ચાઓ ચાલે છે કે બહારના ડેપોની બસો બે-ત્રણ દિવસ સુધી તો અમુક બસોને ટ્રીપો ન આપતા મુશ્કેલી પડી હતી.