• Gujarati News
  • શિક્ષણાધિકારીની કચેરી છેલ્લા ૧૦ દિવસથી નધણિયાતી

શિક્ષણાધિકારીની કચેરી છેલ્લા ૧૦ દિવસથી નધણિયાતી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નવસારી
શિક્ષણાધિકારી કે.જે. રાવલ લાંચના છટકામાં સપડાયા બાદ અન્ય અધિકારીને ડીઈઓનો ચાર્જ ન અપાતા તથા વર્ગ-૨ અધિકારીની જગ્યા પણ ખાલી હોય નવસારી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી હાલ નધણિયાત હાલતમાં જોવા મળી રહી છે.
નવસારી જિલ્લામાં આવેલી માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓનું સંચાલન જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા થાય છે. આ કચેરીના વડા શિક્ષણાધિકારી ((વર્ગ-૧)) હોય છે, ત્યારબાદનો હોદ્દો શિક્ષણ નિરીક્ષક ((વર્ગ-૨))નો છે. નવસારીની શિક્ષણાધિકારીની કચેરીની વાત કરીએ તો આ કચેરીના વડા કે.જે. રાવલ ગત તા. ૩૦/૧૦/૧૩ના રોજ એક શાળાના આચાર્ય પ્રકાશભાઈ ગાંવિત પાસે ૩ હજાર રૂપિયાની લાંચ લેતા એન્ટી કરપ્શન વિભાગના છટકામાં ઝડપાઈ ગયા હતા. કે.જે. રાવલ લાંચના આરોપી બન્યા બાદ શિક્ષણાધિકારીની કચેરીમાં તેમની ખુરશી ખાલી જોવા મળી છે. આજે લાંચના છટકાની ઘટનાને ૧૦ દિવસ થયા છતાં અન્ય કોઈ ઉચ્ચ અધિકારીને ડીઈઓનો ચાર્જ અપાયો નથી.
બીજી તરફ શિક્ષણાધિકારીની કચેરીની મુશ્કેલી એ છે કે શિક્ષણાધિકારી ((વર્ગ-૧)) બાદ આવતી શિક્ષણ નિરીક્ષક ((વર્ગ-૨))ની જગ્યા પણ ખાલી જ છે. મળતી માહિ‌તી મુજબ શિક્ષણ નિરીક્ષક તરીકે નવસારીમાં ડી.એમ. પરમાર હતા. તેઓ ૧૦-૧૨ મહિ‌ના અગાઉ નિવૃત્ત થયા બાદ તેમની ખાલી જગ્યા ભરાઈ નથી. આમ ડીઈઓ કચેરીમાં વર્ગ-૧ અને વર્ગ-૨ બંને મુખ્ય જગ્યાઓ ખાલી છે.
શિક્ષણાધિકારીની કચેરીની બંને મુખ્ય જગ્યાએ હાલ અધિકારી ન હોવાથી ડીઈઓ કચેરી રીતસર નધણિયાત બની ગઈ છે.