• Gujarati News
  • સાપુતારા સહેલાણીઓથી ઉભરાઈ રહ્યું છે

સાપુતારા સહેલાણીઓથી ઉભરાઈ રહ્યું છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સાપુતારા
ગિરિમથક સાપુતારા ખાતે દિવાળી વેકેશનમાં ગુજરાત સહિ‌ત પડોશી રાજ્યોમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા હોટલો સહિ‌ત નાના ધંધાર્થીઓને બખ્ખા થઈ જવા પામ્યા હતા. જ્યારે જાહેર શૌચાલયો બંધ હાલતમાં રહેતા ખાનગી બંગલાધારકોએ પ્રવાસીઓની મજબૂરીનો લાભ લેવા કોઈ કસર છોડી ન હતી.
કુદરતી સૌંદર્યથી ફાટફાટ થતું રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ૧લી નવેમ્બરથી ૧પ નવેમ્બર સુધી હોટલોમાં હાઉસફૂલના પાટીયા ઝુલી રહ્યા છે ત્યારે સાપુતારા ખાતે આવેલ કેટલાક ખાનગી બંગલાધારકો સહિ‌ત પેઈંગ ગેસ્ટહાઉસ ચલાવતા સંચાલકો દ્વારા પ્રવાસીઓ પાસે તગડુ ભાડુ વસૂલ કરતા સહપરિવાર સાથે સાપુતારાની સહેલગાહે આવેલ મધ્યમવર્ગીય પરિવારોની હાલત કફોડી થવા પામી હતી. તદ્ઉપરાંત રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા તાજેતરમાં જ લાખોના ખર્ચે નિર્માણ કરેલા સુલભ શૌચાલયો બંધ હાલતમાં રહેતા પ્રવાસીઓ ખુલ્લેઆમ શૌચક્રિયા કરવા મજબૂર બન્યા હતા તેમજ ખુલ્લેઆમ શૌચક્રિયા કરવા બહેન-દીકરીઓની કફોડી સ્થિતિ સર્જા‍ઈ હતી. ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓને આકર્ષવા રાજ્ય સરકાર નીતનવા ફેસ્ટીવલો યોજી વર્ષદહાડે કરોડોનું આંધણ કરે છે પરંતુ ભૌતિક સુવિધાના અભાવે સાપુતારાની સહેલગાહે આવેલ પ્રવાસીઓ છેતરાયાનો અહેસાસ કરે છે. હાલ દિવાળીનું વેકેશન સાથે શિરડી સાંઈબાબાના દર્શને જતા પદયાત્રીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.
સાપુતારા ખાતે છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાત સહિ‌ત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા વાહનોના ખડકલા માર્ગો પર થઈ જવા પામ્યા હતા. બીજી બાજુ સાહસિક ઈવેન્ટ પેરાગ્લાઈડિંગ, એડવેન્ચર સ્પો‌ર્ટલ, નૌકાવિહાર, રોપ-વેમાં ભારે ભીડ જામી હતી. સતત પ્રવાસીઓના ધસારાને પગલે તમામ હોટલો, બંગલાઓ હાઉસફૂલ થઈ જતા પ્રવાસીઓને સહપરિવાર વાહનો, ફૂટપાથ પર રાતવાસો કરવાની ફરજ પડી હતી. સાપુતારા ખાતે આવેલા પ્રવાસીઓના વાહનોની ટ્રાફિકને કોઈ અગવડતા ન પડે તે માટે સાપુતારા પોલીસ મથકના પીએસઆઈ હેમંતભાઈ પટેલે પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.