• Gujarati News
  • રામદેવની સભાનો ખર્ચ ભાજપમાં

રામદેવની સભાનો ખર્ચ ભાજપમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નવસારી
નવસારીમાં પમી માર્ચે યોગાચાર્ય બાબા રામદેવ અને ભાજપી અગ્રણીઓની હાજરીમાં યોજાયેલા અશ્વમેઘ યજ્ઞનો કાર્યક્રમનો ખર્ચ ભાજપ પક્ષમાં ચૂંટણી ખર્ચમાં નાંખવાનો નિર્ણય લેવાયો છે. ચૂંટણી આચારસંહિ‌તા અમલી બન્યાના દિવસે જ ઉક્ત કાર્યક્રમ યોજાયો હતો.
નવસારીના રામજી મંદિરમાં પમી માર્ચના રોજ અશ્વમેઘ યજ્ઞનો કાર્યક્રમ નિર્ધારિત હતો. આ કાર્યક્રમમાં જાણીતા યોગાચાર્ય અને પતજંલી સંસ્થાના સંચાલક બાબા રામદેવ પણ હાજરી આપનાર હતા. કાર્યક્રમ પમી માર્ચે શરૂ થાય અને બાબા રામદેવ પધારે તે અગાઉ સવારે જ ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની જાહેરાત કરતા આચારસંહિ‌તા અમલી બની ગઈ હતી.
આચારસંહિ‌તા અમલી બનતા જ ચૂંટણી વિભાગનો સ્ટાફ તાબડતોડ રામજી મંદિર યજ્ઞના અને સભાના સ્થળે પહોંચી ગયો હતો. વિડિયોગ્રાફી પણ કરાવી હતી. બાબા રામદેવે બપોરે ૧૨.૧પ કલાકે યજ્ઞના સ્થળે આવી યજ્ઞમાં હાજરી આપી તથા ત્યારબાદ સભાને પણ સંબોધન કર્યું હતું. બાબા રામદેવ નરેન્દ્ર મોદીના સમર્થક છે અને તેમને પીએમ બનાવવા દેશભરમાં ઘૂમી રહ્યા છે ત્યારે નવસારીમાં અશ્વમેઘ યજ્ઞ સાથેની સભામાં ભાજપના ધારાસભ્ય પિયુષ દેસાઈ, નવસારી શહેર ભાજપ પ્રમુખ પ્રેમચંદ લાલવાણી, ભૂરાલાલ શાહ સહિ‌ત ભાજપના ટોચના અનેક નેતાઓ હાજર રહ્યા હતા અને મંચ નજીક બિરાજમાન થયા હતા.
આચારસંહિ‌તા અમલી બન્યા બાદ અશ્વમેઘ યજ્ઞની સાથે સભામાં ભાજપીઓની હાજરીને લઈ આ સભાનો ખર્ચ ચૂંટણી ખર્ચમાં ગણાય કે નહીં તે સવાલ ઉભા થયા હતા. આ અંગે વિડિયોગ્રાફીના ફૂટેજ, ભાષણો વગેરે જોયા બાદ ચૂંટણી વિભાગે ઉક્ત અશ્વમેઘ યજ્ઞના કાર્યક્રમનો ખર્ચ ભારતીય જનતા પક્ષમાં નાંખવાનો નિર્ણય લીધો છે. અંદાજે ૧૪ હજાર રૂપિયાનો ખર્ચ ભાજપના ચૂંટણી ખર્ચમાં નંખાશે. જોકે પક્ષનો ઉમેદવાર હજુ જાહેર થયો ન હોય ઉમેદવારના ખર્ચમાં યજ્ઞનો ખર્ચ નંખાશે નહીં.