• Gujarati News
  • વાંસદા નવા બસ સ્ટેન્ડનો ગેટ બંધ કરવામાં આવતા વિવાદ

વાંસદા નવા બસ સ્ટેન્ડનો ગેટ બંધ કરવામાં આવતા વિવાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વાંસદા
વાંસદા તાલુકાના મુખ્ય મથક વાંસદા કે જ્યાં રોજની મોટી સંખ્યામાં બસની અવરજવર છે તે નવા બસ સ્ટેન્ડનો વર્ષો જૂનો લોકઉપયોગી ગેટ બંધ કરાવી દેવાતા વાંસદા સરપંચ બુધાભાઈ પટેલે સ્થળ ઉપર જઈ તાત્કાલિક બંધ કરાયેલા ગેટ ખોલાવી નાંખ્યો હતો.
વાંસદા નગરમાં નવુ બસ સ્ટેન્ડ બન્યા બાદ બસ સ્ટેન્ડમાં પ્રવેશવા માટે કોઈ ગેટ તો બનાવવામાં આવ્યો ન હતો. મોટી ખુલ્લી જગ્યામાંથી બસ આવે જાય તેજ માર્ગે લોકો જતા હતા પરંતુ નગરના મહત્તમ લોકો જે માર્ગે બસ સ્ટેન્ડમાં પ્રવેશ કરતા તે જગ્યા અર્થાત કે વાંસદા બસ સ્ટેન્ડનું નિર્દેશ કરતો મકાનનો ગેટ જે તરફ બનાવવામાં આવ્યો છે તે તરફથી બસ સ્ટેન્ડમાં પ્રવેશવા માટે આઠથી દસ ફૂટનો રસ્તો હતો જેનો વર્ષોથી લોકો બસસ્ટેન્ડમાં પ્રવેશવા ઉપયોગ કરતા હતા તે લોકોને અતિઉપયોગી ગેટ એસટી તંત્ર દ્વારા કંપાઉન્ડ બનાવ્યા બાદ ત્રણેક ફૂટ જેટલો વચ્ચે એક પોલ ઉભો કરી ખુલ્લો રાખ્યો હતો.
આ જગ્યા સામાન સહિ‌ત મુસાફરને બહાર નીકળવા માટે ઓછી પડતી હોવાના અખબારી અહેવાલ પણ છપાયા હતા પરંતુ ગતરોજ તો વલસાડના ડિવિઝનલ મેનેજરની સૂચનાથી આ માર્ગ બંધ કરી દેવાતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. લોકોએ આ બાબતે સરપંચ વાંસદાને ફોન કરતા વાંસદાના સરપંચ બુધાભાઈ પટેલે સ્થળ ઉપર જઈ જાત નિરીક્ષણ કરી ગેટ ખુલ્લો કરાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે વાંસદાના સરપંચ બુધાભાઈ પટેલે રસ્તો લોકહિ‌તમાં ખુલ્લો રાખવા માટે અગાઉથી જ એસટી તંત્રને પત્ર લખ્યો હતો. હાલમાં તો લોકોની રજૂઆતને પગલે સરપંચે ડીસી દ્વારા મનમાની કરી બંધ કરાયેલા લોકઉપયોગી ગેટ પોતાની સત્તાની રૂએ ખુલ્લો કરાવ્યો છે.