• Gujarati News
  • નવધા ભક્તિ માટે ભણતરની જરૂર નથી ગણતરની જરૂર છે

નવધા ભક્તિ માટે ભણતરની જરૂર નથી ગણતરની જરૂર છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નવસારી
રાજારામ ગૌશાળા ટેટોડા, તા. ડીસા, જિ. બનાસકાંઠાના લાભાર્થે શ્રીમદ્ ગૌ ભાગવત મહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથા ટાટા હોલ નજીકના પે એન્ડ પાર્ક ગ્રાઉન્ડ નવસારીમાં ચાલી રહી છે. વ્યાસપીઠ પરથી પૂ. ધનેશ્વર મહારાજ ((કીડાણા, ગાંધીધામ, કચ્છ)) કથાના ૬ઠ્ઠા દિવસે ઉપસ્થિત વિશાળ ભક્તજનો સમક્ષ પોતાની દિવ્ય વાણીમાં જણાવ્યું કે ભગવાનની કથા સાંભળવી એ નવધા ભક્તિનું પ્રથમ પગથિયું છે. બીજી ભક્તિ ભગવાનના ગુણ સાંભળવા. નવધા ભક્તિ માટે ભણતરની જરૂર નથી ગણતરની જરૂર છે. સેવાનું ફળ એજ છે પરમાત્મા આપણે ત્યાં પધારે. આપણે પરમાત્મા પાસે જવાની જરૂર નથી. યેનકેન પ્રકારે સેવા કરી હશે તે વ્યક્તિ ભગવાનને પ્રિય છે. સેવા એ ઉત્તમ ભક્તિ છે.
શ્રીમદ ભાગવત ગૌ કથામાં ગોવર્ધન પૂજા કરવામાં આવી હતી. ભગવાને ગોવર્ધનને ધારણ કર્યો ગૌરક્ષા માટે. ગૌ એટલે ભક્તિ, ઈન્દ્રીય અને ગૌમાતા. જે કામ પરમાત્માએ કર્યું તેજ કામ આપણે ગૌમાતા સૃષ્ટિમાં કઈ રીતે વધી તે કાર્ય આપણે કરવાનું છે. પહાડ ઉપાડવા જેવું કાર્ય છે. ગાયોનું રક્ષણ એજ સાચી પૂજા. ઈચ્છાશક્તિને પ્રગટ કરો આત્મબળને પ્રગટ કરો તો ડાબા હાથની ટચલી આંગળીએ પહાડ ઉંચકી શકાય. ધારણ કરવાવાળો ભગવાન છે આપણે તો માત્ર ટેકો આપવાનો છે.
પરમાત્માએ ગોપીઓને વચન આપ્યું હતું તે નિભાવવા માટે રાસલીલા કરી. રાસ એ દુર્લભ છે. દેવો પણ જોઈ શકતા નથી. કૃષ્ણ પરમાત્મા ગોપીઓ સાથે રાસ રમ્યા ત્યારે ગોપીઓને અભિમાન આવ્યું. કૃષ્ણ અંતરધ્યાન થઈ ગયા. ગોપીઓએ શરણાગતિ સ્વીકારી જે ભાવ પ્રગટ કર્યો તે ગોપીગીત. ગોપીભાવ પ્રગટે તો રાસના દર્શન થાય. દ્વેતભાવ મિટાવી અદ્વૈતભાવ આવે ત્યારે સદા માટે મહારાસ થાય. ભીતર દર્શન કરવાથી બધુ પ્રાપ્ત થાય. જે ભાવથી ભજનો તે પ્રમાણે દર્શન આપું છું. આજે ૭મા દિવસે કથાના વિરામ પ્રસંગે સુદામાચરિત્ર, નરસિંહ મહેતાનું ચરિત્ર, રૂકમણી વિવાહ જેવા પ્રસંગો અને કૃષ્ણનું મથુરાગમન તથા દ્વારકાગમન પ્રસંગ વર્ણવતા શ્રોતાજનોની આંખો અશ્રુભીની છલકાઈ હતી.