Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચોરવણીમાં મળેલી સભામાં ડેમની યોજનાનો વિરોધ
ભાસ્કર ન્યૂઝ. વાંસદા
સરકાર દ્વારા પાર, તાપી અને નર્મદા નદી જોડાણ યોજના અંતર્ગત સાત ડેમ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં આકાર પામનાર છે જેના પગલે નજીકના વિસ્તારોના લોકોએ વિસ્થાપિત થવાની આશંકાના પગલે વાંસદા તાલુકાના ચોરવણી ગામે ડેમના વિરોધમાં આદિવાસીઓની વિશાળ સભા યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત આદિવાસીઓએ જાન આપી દઈશું પરંતુ જમીન નહીં આપીએ અને લોકસભાની ચૂંટણી બહિષ્કારનો સંકલ્પ કર્યો હતો.
સરકાર દ્વારા વિકાસના નામે પાર, ઔરંગા, અંબિકા, મિંઢોળા, પૂર્ણા, તાપી, નર્મદા નદીને જોડતી યોજના બનાવી રહી છે જેને પાર, તાપી, નર્મદા નદી યોજનાનું નામ અપાયું છે. આ યોજના પ્રમાણે મહારાષ્ટ્રમાં પાર નદી પર ઝરી ગામે ડેમ બનાવાશે ત્યારબાદ બનનારા ડેમ દક્ષિણ ગુજરાતમાં બંધાશે.
આ યોજના સામે વિરોધ કરવા માટે લોકો ચોરવણી ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને આ લોકોએ સંકલ્પ કર્યો હતો જાન આપી દઈશું પરંતુ ડેમને બાંધવા નહીં દઈએ અને સાથે સાથે લોકસભાની ચૂંટણીનો બહિષ્કારનો પણ સંકલ્પ કર્યો હતો. આ સભામાં આદિવાસીઓના પ્રમુખ ડો. પંકજભાઈ પટેલ પણ પોતાના હજારો સમર્થકો સાથે રેલી કાઢી સભામાં જોડાયા હતા અને સરકારની આ યોજનાનો વિરોધ દર્શાવ્યો હતો.