• Gujarati News
  • દિવાળીમાં સોના ચાંદીનું બજાર નરમ

દિવાળીમાં સોના-ચાંદીનું બજાર નરમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નવસારી
દિવાળીના તહેવારમાં નવસારીનું સોના-ચાંદી ((જ્વેલ‌ર્સ))નું માર્કેટ ગતવર્ષની સરખામણીએ નરમ રહ્યું હતું. જેના કારણે કેટલાય જ્વેલ‌ર્સ પોતાના ગ્રાહકોને જાળવી રાખવા પ્રોફિટ છોડીને બિઝનેશ કરવાનો વખત આવ્યો હતો. નવસારીમાં ગત વર્ષની સરખામણીએ ૪૦ ટકા માર્કેટ નરમ રહ્યાનો અંદાજ કાઢવામાં આવી રહ્યો છે.
નવસારીમાં દિવાળીના છેલ્લા દિવસોમાં ખરીદીનો માહોલ જામ્યો હતો. જેના કારણે ફટાકડા, કાપડના વેપારીઓ, મીઠાઈના વેપારીઓ વગેરે વેપારીઓએ થોડેઘણે અંશે રાહત અનુભવી હતી. પરંતુ નવસારીમાં દિવાળીના તહેવારમાં સૌથી મોટી અસર સોના-ચાંદી ((જ્વેલ‌ર્સ))ના માર્કેટમાં જોવા મળી હતી. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે લોકોએ સોના-ચાંદીની ખરીદીમાં ઓછો રસ દાખવ્યો હતો. સોના-ચાંદીના વેપાર સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા ઘણાં વખતથી સોનાના દાગીનામાં ૧૦ ગ્રામના ૨૮થી ૨૯ હજારનો ભાવ ચાલતો રહ્યો છે. દિવાળીના તહેવારમાં ચાલુ વર્ષે પણ દાગીનામાં ખરીદી વધશે એવો અંદાજ વેપારીઓ લગાવી રહ્યા હતા. કારણ કે ઘણાં લોકો માત્ર ઈન્વેસ્ટ કરવા માટે પણ સોનાની ખરીદી તરફ ધ્યાન કેન્દ્રીત કરતા રહ્યા છે. છેલ્લા ઘણાં વખતથી આ ટ્રેન્ડ ચાલતો આવ્યો છે. પરંતુ ચાલુ વર્ષે દિવાળીમાં આ ટ્રેન્ડમાં બદલાવ આવ્યો હોય તેવું અનુમાન લગાવાય રહ્યું છે. કારણ કે ગત વર્ષે નવસારીમાં સોના-ચાંદીમાં એક અંદાજ મુજબ ૧પ કરોડની આસપાસનો વેપાર થયો હતો. જ્યારે ચાલુ વર્ષે તે ઘટીને ૮ કરોડની આસપાસ અટકી ગયાનો અંદાજ છે. ૪૦ ટકા જેટલું માર્કેટ ડાઉન થયું છે. જેથી વેપારીઓએ પોતાના ગ્રાહકો સાચવવા માટે પ્રોફિટ કાપીને પણ વેપાર કરવો પડી રહ્યો છે.
બીજી તરફ ધનતેરસ તથા પુષ્યનક્ષત્રના શુભ પ્રસંગોએ પણ લોકોએ સોનાની ખરીદીમાં ચાલુ વર્ષે પ્રમાણમાં રસ ઓછો દાખવ્યો હતો. જેના કારણે પણ સોના-ચાંદીનું માર્કેટ નરમ રહ્યું છે. જ્યારે અન્ય વેપારમાં થોડેઘણે અંશે વેપારીઓએ દિવાળીના તહેવારમાં રાહતનો શ્વાસ લીધો હતો. તો સોના-ચાંદીના વેપારીઓએ માત્ર પોતાના ગ્રાહકોને જાળવી રાખવા ખાતર પ્રોફિટ ગુમાવીને પણ વેપાર કરવાની ફરજ પડી હતી. આગામી દિવસોમાં પણ આવી જ સ્થિતિ રહેશે તો સોના-ચાંદીના વેપારીઓની ચિંતામાં વધારો થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.