તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મરોલી બજારમાં ૮ સ્થળે ચોરી

મરોલી બજારમાં ૮ સ્થળે ચોરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મરોલી બજાર વિસ્તાર સહિતની સોસાયટીઓમાં એક જ રાતે આઠ જેટલી જગ્યાએ તસ્કરોએ તાળા તોડી ધાપ મારી હતી.
છીણમરોડ વિસ્તારની સોસાયટીઓમાં આવેલા બંગલાઓના મુખ્ય દરવાજાના નકુચા તોડી સ્ટીલના કબાટો તોડી ફોડી તસ્કરોએ કબાટમાં મૂકેલી ચીજવસ્તુઓ રફેદફે કરી કિંમતી સામાન ચોરી ગયા હતા. ખાસ કરીને શનિ-રવિની રજાનો માહોલ હતો. કેટલાક પરિવાર સગાવહાલાને ત્યાં અથવા તો બહાર ગામ ફરવા ગયા હતા. તો કેટલાક મકાનોના રહીશો વિદેશમાં સ્થાયી થયાનું પણ જાણવા મળે છે. મકાનોમાં ચોરી કરવા આવેલી આ ગેંગ અંગે આ વિસ્તારના કેટલાક અગ્રણીઓનું કહેવું છે કે, છીણમરોડ ખાતેના રહીશે મંદિરે આરતીના સમયે કેટલાક અજાણ્યા ઈસમો દર્શન કરવા આવ્યા હોવાનું જોયું હતું. તેમજ મંદિરમાં મૂકેલા તેમજ ધનસુખભાઈના ઘરે મુકેલા સી.સી. ટીવી કેમેરામાં પણ આ અજાણ્યા ચહેરાઓ કેદ થયાનું જાણવા મળે છે. તો કેટલાકે જીજે-૫ની સિરઝિની ત્રણેક રિક્ષા સ્ટેશન વિસ્તારમાં પાર્ક કરેલી જોઈ હતી.
તસ્કરોએ છીણમરોડ વિસ્તારમાં આવેલ સોસાયટીઓમાં બાબુ ભીખુ પટેલ, સાંઈનાથ સોસાયટીના બંગલા નં.૧/બીનો મુખ્ય દરવાજો તોડી ૩ જેટલા કબાટ તોડી નાંખ્યા હતા. બાબુભાઈ ન્યુઝીલેન્ડ રહે છે. જેમના ઘરે એક મોટી પીવીસીની ટોર્ચ હતી તે લઈ ગયા હતા. જ્યારે મિસ્ત્રી રમેશ જીવણ મુંબઈ રહે છે. તેમનો બંગલો ગણેશલેન્ડમાં છેે. તેમના મકાનના ભાડુઆતનો કબાટ તોડી સોનાની બુટ્ટી, નાકની સોનાની નથ, સોનાની વીંટી ૩ નંગ, ચાંદીના સાંકળા- ૨ જોડી, ચાંદીના મંગળસૂત્ર-૨ નંગ, ચાંદીના ઝાંઝર- ૨, ચાંદીનું લુઝ મળી કુલ અંદાજે ૫૦ હજારથી વધુની ચોરી કરી હતી. મહેન્દ્ર રાયચંદ પટેલ મૂળ દીપલા ગામના છે. હાલ નવસારીમાં રહે છે. તેમના બંગલામાં ત્રણ કબાટ તોડી ગયા હતા. હિરેન મીઠાલાલ શાહ, રાધાસ્વામીમાં રહેતા હોય તેમને ત્યાં પણ તાળા તોડી ગયા હતા. ચાવડામાં રહેતા અને એનઆરઆઈ અમરત ભવનભાઈના બંગલામાં પણ તોડફોડ કરી ગયા હતા. તથા મહેન્દ્રસિંહ નટવરસિંહ કપલેટીયાના ઘરનો સ્ટીલનો કબાટ તોડી રફેદફે કરી ગયા હતા. ઋક્ષ્મણીબેન રામુભાઈ પટેલ પ્રકાશ સોસાયટીના રહીશ છે અને મુંબઈમાં રહેતા હોય તેમના ઘરે પણ બે કબાટ તોડી ગયા હતા. જગદીશ સોસાયટીમાં રહેતા દર્શન વિનોદ દેસાઈના ઘરેથી બે મંગળસૂત્ર, સોનાની બુટ્ટી ૩ નંગ, સોનાની વીટિં ૨ નંગ, એક સોનાનો સેટ, સોનાના લોકેટ, ડાયમંડ સેટ, હાથ ઘડિયાળ અને રોકડા રૂ.૧૮ હજાર મળી એકાદ લાખ રૂપિયાનો હાથફેરો કરી ગયા હતા. એચડીએફસી બેંકનો એટીએમ કાર્ડ પણ લઈ ગયા હતા.
એક જ રાત્રે આઠ બંગલાઓમાં ચોરટાઓએ કસબ અજમાવ્યો હતો. આ બાબતે મોડીસાંજ સુધી પોલીસ ફરિયાદ થઈ ન હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.