• Gujarati News
  • પુલના છેડે લગાવેલી એંગલ ફરી તૂટી

પુલના છેડે લગાવેલી એંગલ ફરી તૂટી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી-ગણદેવી સ્ટેટ હાઈવે ઉપર સોનવાડી નજીક આવેલા અંબિકા નદીના પુલ ઉપરથી ભારે માલવાહક વાહનોના આવાગમન માટે ગત તા.૧/૭/૧૩ના રોજ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર ડો.સંધ્યા ભુલ્લરે જાહેરનામું બહાર પાડયું હતું. આ જાહેરનામાનો ચૂસ્તપણે અમલ થતો જોવા મળ્યો નથી. જાહેરનામુ બહાર પડાયા બાદના છ દિવસ પછી પણ ભારે વાહનોનું આવાગમન જોવા મળે છે. એનો બોલતો પુરાવો ગત તા.૫/૭/૧૩ના રોજ પુલના બંને છેડે એંગલ લગાવવામાં આવી હતી જે પૈકી દક્ષિણ દિશાની એંગલ કોઈ ટ્રકચાલક તોડી ગયો હતો.
સોનવાડી નજીક અંબિકા નદી પરનો પુલ નબળો પડી ગયો હોવાનું ગાંધીનગરથી આવેલા તજજ્ઞોની ટીમે જણાવ્યું હતું. વધુમાં પુલની બંને બાજુ પુલ નબળો હોય વાહન ધીમે હાંકવાના સૂચના બોર્ડ લગાવવા જણાવ્યું હતું. તજજ્ઞોની સૂચનાનુસાર પુલના બંને છેડે એંગલ લગાવવામાં આવી હતી. પરંતુ શુક્રવારની બપોરે કોઈ ટ્રકચાલક એક બાજુની એંગલને જમીનદોસ્ત કરીને ભાગી ગયો હતો.
જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ચૂસ્તપણે અમલ થાય તથા સિસોદરા, ઈટાળવા, ખારેલ અને આલીપોર નજીક આ હુકમનામાની જાણ કરતા બોર્ડ માર્ગ મકાન ખાતા દ્વારા લગાવવામાં આવે એ જરૂરી છે. વધુમાં આ માર્ગ ઉપર પ્રવેશ કરતા વાહનોને જાહેરનામાનો અમલ કરાવવા જે તે પ્રવેશ નાકા ઉપર વ્યવસ્થિત અને સતત પોલીસ સ્ટાફને ફરજ ઉપર રાખવામાં આવે તેવી લોકલાગણી છે.
જિલ્લા પોલીસવડા આ જાહેરનામાનો ચૂસ્તપણે અમલ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરે તેવી લોકલાગણી ઉઠી છે. પુલના બંને છેડે હાલમાં જે એંગલો લગાવવામાં આવી છે તેના બદલે વ્યવસ્થિત અને મજબૂત ગર્ડર (એંગલ) લગાવવામાં આવે તેવી ચર્ચા પ્રજામાં સાંભળવા મળી છે. હાલમાં લગાવવામાં આવેલ એંગલો તો શોભાના ગાંિઠયા જેવી છે. આ બાબતે માર્ગ-મકાન ખાતુ (સ્ટેટ) યોગ્ય કાર્યવાહી કરી મજબૂત એંગલ લગાવે તે ઈચ્છનીય છે.