તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • જિલ્લામાં બીજા રાઉન્ડમાં સર્વત્ર મેઘમહેર

જિલ્લામાં બીજા રાઉન્ડમાં સર્વત્ર મેઘમહેર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પાટણ
પાટણ શહેર સહિત જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં બુધવારે રાત્રીથી બીજા રાઉન્ડના વરસાદે ધમાકેદાર એન્ટ્રી કર્યા પછી ગુરુવારે આખો દિવસ અવિરત વષૉ ચાલુ રહી હતી. સિદ્ધપુર અને પાટણમાં ચાર ઇંચ જ્યારે રાધનપુરમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતાં માર્ગો જળબંબાકાર થઇ ગયા હતા. રહેણાંકો અને દુકાનોમાં પાણી ધૂસી ગયા હતા.જ્યારે સિધ્ધપુરના બે ગ્રામીણ માર્ગો કલાકો સુધી બંધ થઇ ગયા હતાં તેમજ એક મકાનમાં છાપરુ ઘરાસાયી થતાં એકને ઇજા થઇ હતી.જો કે સાર્વત્રિક વરસાદથી સંકટમાં આવેલા ખરીફ પાકોને જીવતદાન મળી ગયું છે અને બીટી કપાસ માટે સોનું વરસ્યું છે. જોકે ભારે વરસાદ થાય તો નીચાણવાળી જમીનોના પાક પાણી ભરાવવાનાકારણે નિષ્ફળ જવાની ભીતી છે.
પંદરેક દિવસ અગાઉ પાટણ જિલ્લામાં વાવણીલાયક વરસાદ થયા બાદ બુધવારે રાત્રે વાતાવરણમાં એકાએક આવેલો પલટાં બાદ પવનોના સૂસવાટા, વીજળીના ચમકારા સાથે સમગ્ર જિલ્લામાં વરસાદ શરૂ થઇ ગયો હતો. મોડી રાત્રી સુધી ધીમેધીમે વરસાદ ચાલુ રહ્યો હતો. ગુરુવારે પણ સવારથી જ વરસાદી વાતાવરણ વચ્ચે મેઘમહેર રહી હતી. જિલ્લામાં સૌથી વધુ પાટણ અને સિદ્ધપુરમાં ચાર ઇંચ, રાધનપુરમાં ત્રણ ઇંચ વરસાદથી શહેરના માર્ગો પાણીથી છલકાયા હતા.
ધોધમાર વરસાદ ખાબકતાં બજારમાં વાહન વ્યવહાર થોડીવાર માટે અટકી ગયો હતો અને હાઇવે માર્ગ પર વાહનો થંભી ગયા હતા. શહેરમાં લોકોની અવરજવર પણ ઓછી થઇ ગઇ હતી. જિલ્લાના અન્ય વિસ્તારો ચાણસ્મા, હારીજમાં પોણા બે ઇંચ, સમીમાં એક ઇંચ વરસાદ થયો હતો.
જ્યારે રાધનપુર, સાંતલપુરમાં ઓછો પડ્યો હતો પણ રાધનપુરમાં ગુરૂવારે બે કલાકમાં ૮૦ મી.મી વરસાદ થયો હતો. જ્યારે સાંતલપુરમાં માંડ પાંચ મીલીમીટર વરસાદ થયો છે.
સાંજે ચાર વાગ્યા સુધીનો વરસાદ
વિસ્તાર ગતરાત્રીનો દિવસનો અગાઉનો કુલ
સિદ્ધપુર ૧૯ ૯૮ ૧૧૨ ૨૨૯
પાટણ ૮ ૬૪ ૧૦૪ ૧૭૬
ચાણસ્મા ૧૦ ૩૫ ૫૦ ૯૫
હારીજ ૨૫ ૧૮ ૬૮ ૧૧૧
સમી ૧૫ ૧૫ ૧૪૪ ૧૭૪
રાધનપુર ૧૭ --- ૧૨૯ ૧૪૬
સાંતલપુર ૫ ---- ૭૪ ૭૯
રાધનપુરમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ
ભાસ્કર ન્યૂઝ. રાધનપુર
રાધનપુરમાં બુધવારે રાત્રે દશ વાગ્યાના સુમારે આકાશમાં ઘનઘોળ વાદળો ચડી આવ્યા હતા અને પવનના જોરદાર સૂસવાટા અને વજિળીના ચમકારા સાથે વરસાદ તૂટી પડ્યો હતો અને રાત્રી દરમિયાન પોણો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ગુરુવારે દિવસ દરમિયાન અવારનવાર ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. જોકે, વરસાદના બે છાંટા પડતાં જ વીજતંત્ર દ્વારા વીજ પુરવઠો બંધ કરી દેવાતા નાના બાળકો અને બિમાર લોકોને હાલાકી ભોગવવી પડી હતી. જ્યારે સાંજે ૪થી ૬ વાગ્યા સુધીમાં વધુ ૮૦ મીમી વરસાદ પડ્યો હતો જેથી જયાં જુઓ ત્યાં પાણી જ પાણી થઇ ગયું હતું.
અસર : સંકટમાં આવેલા ખરીફ પાકોને જીવતદાન
વરસાદ ખેંચતા સમી, હારીજ, રાધનપુર, સાંતલપુર સહિતના વિસ્તારમાં કઠોળ સહિતનો પાક સંકટના વાદળો છવાયા હતા. પાણી વગર પાકનો વિકાસ અટકી ગયો હતો તેવી સ્થિતિમાં એકાએક વરસાદ થતાં ખરીફ પાકને જીવતદાન મળી ગયું છે. જેથી ચિંતિત બનેલા ધરતીપુત્રોના ચહેરા ખીલી ઉઠ્યા હતા.
કેવો ફાયદો : વરસાદથી વાવેતર વિસ્તાર વધશે
પ્રથમ વરસાદ વહેલો હોવાથી ખેડૂતોએ તેમની બધી જ જમીનમાં વાવેતર કર્યું નહતું. પ્રથમ તબક્કામાં ૧૨૫૦૬૩ હેકટર જમીનમાં વાવેતર થયું હતું. બીજા રાઉન્ડના વરસાદ બાદ હવે બાકી રહેલી તમામ ખેતીલાયક જમીનમાં વરાપ આવ્યા બાદ ખેડૂતો ખરીફ પાકોનું વાવેતર શરૂ કરી દેશે. જેથી વાવેતર વિસ્તાર વધીને બે લાખ હેકટર ઉપરાંત પહોંચી જશે.
દહેશત : ભારે વરસાદ થાય તો નીચાણવાળી જમીનમાં પાક નિષ્ફળ જવાની ભીતિ
મદદનીશ ખેતી નિયામક શૈલેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં જે વરસાદ થયો તે ખરીફ ખેતી માટે ફાયદાકારક છે. પરંતુ ભારે વરસાદ થાય તો નીચાણવાળી જમીનોમાં પાણી ભરાઇ રહે અને હાલમાં પાકના છોડ નાના હોવાથી પાક નિષ્ફળ જઇ
શકે છે.
હવે શું? : ખાતર, બિયારણની ખરીદી શરૂ થશે
વરસાદ બાદ ખેડૂતો ખરીફ પાકોના વાવેતર માટે મગ, અડદ, મઠ, ગવાર, ચોળા, બાજરી, દિવેલા સહિતના બિયારણની ખરીફ કરશે. જ્યારે શાકભાજી, વરીયાળી, દિવેલા અને કઠોળ પાક માટે ડીએપી અને બીટી કપાસ માટે યુરીયા ખાતરની ખેડૂતો ખરીદી કરશે તેવું નારણભાઇ પટેલે જણાવ્યું હતું.
વરસાદથી ખેડૂતો ખુશ ખુશાલ
શંખેશ્ર્વર : સમીના શંખેશ્ર્વર પંથકના ગામોમાં ૧૨ દિવસ પહેલા વરસાદ પડ્યો હતો. પરંતુ તે વરસાદથી ખેડૂતો વાવણી કરી શકયા નહોતા અને ચાતક નજરે વરસાદની રાહ જોઇને બેઠા હતા ત્યારે બુધવાર રાત્રે તેમજ ગુરુવારે બપોરથી મેઘરાજાની પવન સાથે પધરામણી થતાં ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી હતી. શંખેશ્ર્વરના ખેડૂત પરબતભાઇ દેસાઇએ જણાવ્યું હતુંકે, પહેલા વરસાદથી વાવણી થઇ શકી નહોતી. પરંતુ આ વરસાદથી બાજરી, જુવાર, કપાસ, એરંડાના વાવેતર થશે.