તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • આટમાં દીપડાની શોભાયાત્રા નીકળી

આટમાં દીપડાની શોભાયાત્રા નીકળી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જલાલપોર તાલુકાના આટ ગામના રૂપન તળાવ ખાતે મંગળવારની રાત્રિ દરમિયાન દીપડાએ વાછરડીનો શિકાર કર્યો હતો.જેના પગલે બુધવારે નવસારી એનિમલ સેવિંગ સોસાયટીના સભ્યોએ વનખાતાના સહયોગથી આટ ખાતે દીપડાને ઝબ્બે કરવા પાંજરૂ મૂકતા બુધવારની રાત્રિ દરમિયાન જ દીપડોે પાંજરે પુરાય ગયો હતો.પાળેલા પશુઓનો શિકાર કરતો દીપડો પાંજરે પુરાઇ જતાં પશુપાલકોએ હાશકારો અનુભવ્યો હતો. કાંઠા વિસ્તારમાં દીપડો પાંજરે પુરાવાની આ પ્રથમ ઘટના હોવાથી દીપડાને જોવા કાંઠાના ગામોમાંથી હજારોની સંખ્યામાં માનવમહેરામણ આટ ખાતે ઉમટી પડતા રીતસર દીપડાની શોભાયાત્રા જેવી નીકળી હતી.
આટ ગામના રૂપન તળાવ ખાતે રહેતા પશુપાલક બાબુભાઇ છોટુભાઇ પટેલની ઘરની બાજુના વાડામાં બનાવેલી પશુઓની કોઢારમાંથી દીપડાએ મંગળવારની રાત્રિ દરમિયાન એક પાંચેક માસની વાછરડીને ફાડી ખાધી હતી અને બીજી એક વાછરડીને ઇજા પહોંચાડી હતી. બુધવારના વહેલી સવારે બાબુભાઇ દૂધ દોહવા ગયા ત્યારે તેમણે કોઢારમાં આ ર્દશ્ય જોયુ હતું.પોતાની પાળેલી વાછરડીને કોઇ જંગલી જાનવરે ફાડી ખાધી હોવાની જાણ તેમણે વનખાતાને કરી હતી. કાંઠા વિસ્તારના ગામોમાં છેલ્લા દસેક મહિનાથી દીપડો હાહાકાર મચાવતો હોય,વનખાતાએ પણ આ બાબતની નોંધ લઇ તાકીદે આટ રૂપન તળાવ ખાતે વાછરડી ફાડી ખાવાની ઘટનાના સ્થળે નવસારી એનિમલ સેવિંગ સોસાયટીના સભ્યો સાથે પહોંચી જઇ તપાસ આદરી હતી.તપાસ દરમિયાન તેઓને વાછરડીનો શિકાર દીપડાએ જ કર્યો હોવાનું ચોક્કસ તારણ મળ્યું હતું.જેના કારણે તેજ દિવસે આટ ખાતે પાંજરૂ મુકવાની કાર્યવાહી કરી હતી.
આરએફઓ રાજુ પરમાર, જે.ડી.મિસ્ત્રી તથા કોંકણીએ તાકીદે પાંજરાની વ્યવસ્થા કરી આપતા મોડી સાંજ સુધીમાં એનિમલ સોસાયટીના પ્રમુખ શૈલેષ પટેલ, સભ્ય વસંતભાઇ (શિવાભાઇ) નાયકા તથા એનિમલ સેવિંગ ગૃપના સભ્યો તેમજ રૂપન તળાવના જીનલ પટેલ,રીતેષ પટેલ જેવા અનેક યુવાનોના સહકારથી બકરીનું મારણ મૂકી પાંજરૂ ગોઠવી દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરી હતી.ગુરૂવારે વહેલી સવારે યુવાનો પાંજરાંની તપાસ માટે ગયા ત્યારે પાંજરાંનો છટકો નીચે પડેલો જણાંતા તેઓએ નજીક જઇ જોતાં દીપડો પાંજરે પુરાયેલો જોવા મળ્યો હતો.આ વાતની જાણ યુવાનોએ પ્રથમ ગામના યુવા મહિલા સરપંચ ચેતનાબેન પટેલને કરતાં તેઓ તથા તા.પં.સભ્ય કૌશિક પટેલ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને એનિમલ સેવિંગ સોસાયટીના સભ્ય વસંતભાઇ(શીવાભાઇ)નાયકાને જાણ કરી હતી.
આ દીપડો સાડા ત્રણેક વર્ષની વયનો હોવાનું એનિમલ સેવિંગ સોસાયટીના સભ્યોએ જણાવ્યું હતું. દીપડો પાંજરે પુરાતા કાંઠાના પશુપાલકોમાં ખુશીની લહેર પ્રસરી હતી.આટ ખાતે દીપડો પાંજરે પુરાયો હોવાની વાત સમગ્ર કાંઠાના ગામોમાં વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળેટોળા આટ ખાતે દીપડાને જોવા ઉમટી પડયા હતા.કાંઠા વિસ્તારમાં દીપડો પકડાવાની આ પ્રથમ ઘટના હોવાથી ગામેગામથી લોકો વાહનોની સગવડ કરી દીપડાને જોવા ઉમટી પડતા આટ ખાતે દોઢથી બે હજાર જેટલી જનમેદની ઉમટી પડી હતી.
૧૦ મહિને દીપડો પકડાયો
કરાડી,મટવાડ,મછાડ,બોદાલી,પેથાણ કોથમડી જેવા ગામોમાં અનેક પાલતુ જાનવરોનો શિકાર કરી ચૂકેલા દીપડાને પકડવાએનિમલ સેવિંગની ટીમ દસેક મહિનાથી આકાશ પાતાળ એક કરી રહી હતી. તમામ ગામોમાં પાંજરૂ મૂકી દીપડાને ઝબ્બે કરવાની કસરત કરાય હતી પરંતુ દીપડો હાથ લાગ્યો ન હતો.જો કે એનિમલ સેવિંગ ટીમની મહેનત આખરે રંગ લાવી અને આટ ખાતેથી દીપડાને પાંજરે પુરવામાં સફળતા મળતા લોકોનો મનમાં જે દીપડાનો ખોફ હતો તે દૂર થયો છે.

ધારાસભ્યના ગામમાં જ પકડાયો
દીપડાની દહેશત અંગે અનેકવાર જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલે વનખાતાને જાણકારી આપી હતી. આખરે એમના જ ગામમાંથી દીપડો પાંજરે પુરાતાં આર.સી.પટેલે વનખાતા તથા એનિમલ સેવિંગ સોસાયટીના સભ્યોની કામગીરીને બિરદાવી હતી.
વણારસી ગામે દીપડો પાંજરે પુરાયો
વાંસદા : વાંસદા તલુકાના વણારસી ગામે થોડા દિવસથી એક દીપડો જોવા મળી રહ્યો હતો.વણારસી ગામમાં દીપડાએ એક બકરા પર પણ હુમલો કર્યો હતો. ગામના લોકોએ વાંસદા રેંજના પૂર્વના આરએફઓને દીપડા અંગે જાણ કરતા ફોરેસ્ટ ખાતાએ વણારસી ગામે પાંજરુ મુકયું હતું. જેમાં ગુરૂવારે વહેલી સવારે બે વર્ષની ઉંમરનો એક દીપડો પાંજરામાં પુરાયો હતો. વાંસદા ફોરેસ્ટ ખાતા દ્વારા આ પાંજરે પુરાયેલાદીપડાને વનચેતના ખાતે લાવવામાં આવ્યો હતો. આ પકડાયેલા દીપડાને જોવા જનમેદની ઉમટી હતી.