• Gujarati News
  • તળાવની સફાઈ માટે દોડધામ

તળાવની સફાઈ માટે દોડધામ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વજિલપોર શહેરના ઘનકચરાની સમસ્યા ભારે વકરી છે ત્યારે તેના ઉકેલ માટે હવે પાલિકાએ દોડધામ શરૂ કરી છે. બુધવારે સાંજે પાલિકાના પદાધિકારીઓની કલેકટર સાથે બેઠક પણ યોજાઈ હતી.
વજિલપોર શહેરનો ઘનકચરો છેલ્લા કેટલાક સમયથી રેવાનગર નજીક આવેલા ડોલીતળાવમાં ઠાલવવામાં આવી રહ્યો છે. જોકે, ડોલીતળાવમાં કચરો ઠાલવવાથી અનેક મુશ્કેલી હાલ ચોમાસાની વરસાદી મોસમમાં ઉભી થઈ રહી છે. ડોલીતળાવમાં કચરો ઠાલવવાથી કચરાની દુર્ગંધથી નજીકના રહીશો વિરોધ કરી રહ્યા છે. બીજું કે વરસાદ પડતા કચરા ઠાલવવાની જગ્યાએ વાહનો જવામાં મુશ્કેલીઓ પેદા થઈ રહી છે. વધુ વરસાદ પડે તો વાહનો જઈ શકતા પણ નથી. આમ હવે કચરો ઠાલવવા માટે અન્ય વિકલ્પ શોધવો અનિવાર્ય થઈ ગયો છે. ત્યારે વજિલપોર પાલિકાના શાસકો તથા અધિકારી દોડતા થઈ ગયા છે.
બુધવારે સાંજે નવસારી કલેકટર ડો.સંધ્યા ભુલ્લર સાથે વજિલપોર પાલિકાના શાસકપક્ષના અગ્રણીઓ તથા અધિકારીઓએ બેઠક કરી હતી. જેમાં શહેરમાં ઘનકચરો ઠાલવવા બાબતે પડતી મુશ્કેલી વર્ણવી હતી. બેઠકમાં કલેકટરે વજિલપોર ઉપરાંત નવસારી શહેરના ઘનકચરાની પણ સમસ્યા છે ત્યારે તેનો કામચલાઉ નહીં પણ કાયમી ઉકેલ લાવવાની વાત કરી હતી.
કચરા અંગે સુરતની એજન્સી સાથે ચર્ચા
પાલિકા અધિકારીઓની કલેકટર સાથેની બેઠકમાં એક એવી ચર્ચા પણ થઈ હતી કે કચરો ઠાલવવા માટે સ્થાનિક લેવલે જગ્યા મળવી મુશ્કેલ છે. ત્યારે સુરતની એક એજન્સી સાથે કચરો લઈ જવા વાટાઘાટ હાથ ધરવી! આ એજન્સી સુરતની સાથે વજિલપોરનો કચરો પણ લઈ લે તો સમસ્યા હળવી થાય એમ છે. સુરતની એજન્સી સાથે વજિલપોર પાલિકાએ વાટાઘાટ કરવા તૈયાર દાખવ્યાની માહિતી પણ મળી છે.