• Gujarati News
  • વજિલપોરમાં રોગચાળાની દહેશતને પગલે દોડધામ

વજિલપોરમાં રોગચાળાની દહેશતને પગલે દોડધામ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વજિલપોરના કેટલાક વિસ્તારમાં ભારે ગંદકીને લઈ રોગચાળો ફાટવાની દહેશતને પગલે મંગળવારે ડીડીઓ સહિત જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ શહેરમાં ઉતરી પડી હતી.
તાજેતરમાં ચોમાસાની મોસમમાં નોંધપાત્ર વરસાદ વજિલપોરમાં પણ પડી ગયો છે. વરસાદ પડતા જ વજિલપોરના અનેક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. શહેરના મારૂતિનગર, રામજીપાર્ક સહિત અનેક વિસ્તારોમાં ગંદકી જોવા મળી રહી છે. હાલમાં મારૂતિનગરમાં તો માંદગીના કેસો પણ બહાર આવ્યા હતા.
વજિલપોરમાં ભારે ગંદકી હોય રોગચાળો ફાટવાની દહેશતની માહિતી મળતા મંગળવારે નવસારી જિલ્લા વિકાસ અધિકારી સુનિલ પટેલ ઉપરાંત રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.મેહુલ ડેલીવાલા સહિતની આરોગ્ય વિભાગની ટીમે શહેરની વિઝિટ મારી હતી.
મારૂતિનગર સહિત અનેક વિસ્તારોમાં ગંદકીની સ્થિતિ જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. સ્થાનિક રહેવાસીઓએ ગંદકીને લઈ તેમને પડતી તકલીફો પણ વર્ણવી હતી. મારૂતિનગરમાં બિમારીના કેસો બહાર આવ્યાની જાણકારી આપી હતી. ડીડીઓ તથા આરોગ્ય અધિકારીઓએ તાબડતોડ ગંદકી દૂર કરવાની તથા દવાનો છંટકાવ કરવાની સૂચના આપી હતી. અહીં ઉલ્લેખનીય છે કે, આરોગ્ય વિભાગે ૨૭મી જૂને પાલિકાઓને રોગચાળો અટકાવવા ગંદકી દૂર કરવાની નોટિસ પણ આપી હતી.
વજિલપોર નગરપાલિકાના ચીફ ઓફિસર હર્ષદ પટેલે જણાવ્યું કે, વજિલપોર શહેરમાં ગંદકી છે એની ના નથી. જોકે, તેને દૂર કરવા મોટા સ્ટાફને કામે લગાડી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત વજિલપોર ડોલી તળાવમાં સમગ્ર વજિલપોર શહેરનો કચરો નાંખવામાં આવતો હોય ત્યાં પણ અગાઉ ગંદકી જોવા મળી હતી.