તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • હવે, કંપાસબોકસ વિતરણમાં પણ વિલંબ

હવે, કંપાસબોકસ વિતરણમાં પણ વિલંબ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી પાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં નોટબુકના વિવાદ બાદ હવે વિદ્યાર્થીઓને કંપાસ પણ નહીં અપાયાની જાણકારી બહાર આવી છે.
નવસારી પાલિકાની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ૨૧ પ્રાથમિક શાળાઓમાં મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ કરે છે. આ શાળાઓમાં ભણતા બાળકોને નવસારી નગરપાલિકા વિનામૂલ્યે નોટબુકો અને કંપાસ આપે છે. હાલમાં જ શાળાઓ ચાલુ થવા છતાં નોટબુકો ન અપાતા બૂમરાણ મચી હતી. આ બૂમરાણ શાંત થઈ છે ત્યાં હવે કંપાસબોકસ નહીં અપાયાની જાણકારી મળી છે.
નવસારી પાલિકાએ એક વર્ષ અગાઉ શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં કંપાસબોકસ આપ્યા હતા. જોકે ગત વરસે પાલિકાએ કંપાસબોકસ તો આપ્યા ન હતા પરંતુ કંપાસમાં આવતી સાધનોની કિટ આપી હતી. ચાલુ વરસે પુન: કંપાસબોકસ આપવાનો નિર્ણય કરાયો હતો. પ્રાથમિક શાળાઓ ૧૧મી જુનથી શરૂ થઈ ગઈ હતી અને આજે ૨૦ દિવસ થઈ ગયા છે છતાં કંપાસબોકસ વિદ્યાર્થીઓને અપાયા નથી અને કયારે અપાશે તે પણ કહી શકાતું નથી. શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળામાં ધોરણ ૩થી ૮મા ભણતા બાળકોને કંપાસ આપવાના હોય છે. આ સંખ્યા ૬૯૦૦ જેટલી હોવાનું જાણવા મળે છે. આ બાળકોને કંપાસ અપાયા નથી.
મળતી માહિતી મુજબ નવસારી પાલિકાએ નોટબુકોની સાથે જ કંપાસ મેળવવા માટેની પણ જાહેરાત આપી અને તેના પણ ટેન્ડરો આવ્યા હતા પરંતુ હજુ સુધી ટેન્ડર ફાઈનલ થયા ન હોવાની વાત બહાર આવી છે. ઘોંચ ક્યાં પડી છે તે બાબત ચોક્કસ જાણવા મળી નથી પરંતુ ટેન્ડરની પ્રક્રિયા પાલિકાની કમિટીમાં લઈ જવાનો નિર્ણય લેવાતા વિલંબાયો હોવાની પણ વાત છે. હાલ તો પાલિકામાં થઈ રહેલા ટેન્ડરિંગના વિલંબને લઈને કંપાસબોકસ બાળકોને મળી શકયા નથી.
મને ચોક્કસ જાણકારી નથી
નવસારી નગરપાલિકાની શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં કંપાસ બોકસ વિતરણ અંગે પાલિકા પ્રમુખ હેમલતાબેન ચૌહાણે જણાવ્યું કે આ અંગે મને કોઈ ચોક્કસ જાણકારી હાલમાં નથી પરંતુ આ પ્રશ્ને તપાસ કરીશ.
કેટલીક નોટબુકો પણ અપાઈ નથી
નવસારી પાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં નોટબુકો વિલંબથી અપાયાની પણ બૂમરાણ મચી હતી. જોકેમંત્રી આનંદીબેન પટેલની નવસારીની મુલાકાતને લઈ તાબડતોડ નોટબુક સપ્લાય કરનારાઓને બોલાવી નોટબુક આપવા ઉતાવળ કરાઈ હતી. જોકે હજુ સુધી તમામ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અપાતી નોટબુકો અપાઈ નથી. ૧૦૦ પેજની અને ૨૦૦ પેજની એમ બે પ્રકારની નોટબુકો અપાનાર હતી. જેમાં કેટલીક નોટબુકો તો બાળકોને અપાઈ છે પરંતુ કેટલીક નોટબુકો આપી શકાઈ નથી.
નોટબુકના ટેન્ડરિંગમાં વિવાદ થયો હતો
ચાલુ સાલ નવસારી નગરપાલિકા દ્વારા શિક્ષણ સમિતીની પ્રાથમિક શાળાઓમાં અપાતી નોટબુકોના ટેન્ડરિંગમાં પણ વિવાદ થયો હતો. નગરપાલિકા દ્વારા નોટબુકોના ટેન્ડરિંગની પ્રક્રિયા જે રીતે હાથ ધરવામાં આવી હતી અને પાર્ટીઓને હુકમ કરાયા હતા તેની સામે ટેન્ડર ભરતા પક્ષકારો પણ નારાજ થયા હતા. નોટબુકનું ટેન્ડર ભરનાર નવસારીની એક એજન્સીએ તો ટેન્ડરિંગની પ્રક્રિયામાં નવસારી પાલિકામાં નીતિનિયમો નેવે મુકાયા હોવાની નવસારી કલેકટરાલયમાં ફરિયાદ પણ કરી છે.