તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • તાપીના પટમાં ભૂમાફિયાઓનું રાજ

તાપીના પટમાં ભૂમાફિયાઓનું રાજ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી તાલુકાના તાપી નદીના પટમાંથી મોટા પાયે રેતી ખનનનો ગોરખ ધંધો ધમધમતો રહે છે. જે અંગે અવાર નવાર ગ્રામજનો ભૂમાફિયાઓ સાથે બાથ ભીડી મેદાને ઉતરી ખાણ ખનિજ વિભાગના અધિકારીઓને આ અંગે માહિતગાર કરે છે. પરંતુ ખાણ ખનિજના અધિકારીઓના મેળા પીપળામાં માત્ર ગણતરીના કલાકો જ રેતી ખનન બંધ રહી ફરી ધમધમતું થઈ જાય છે. અને ગેરકાયદે રેતીનો કાળો ધંધો શરૂ કરી દે છે.
ગત થોડા દિવસ અગાઉ માંડવી તાલુકાના કોસાડી ગામે ગેરકાયદે રેતી ખનન થતું હોવાની જાણ ગામના ઉપસરપંચે અધિકારીને કરી હતી. અધિકારીએ વાત સાંભળવા અને યોગ્ય કાર્યવાહી કરવાની જગ્યાએ ઉપસરપંચ સાથે જીભાજોડી કરી હતી. ત્યારબાદ તુરંત જ ગ્રામજનો કોસાડી ગામની સીમમાં ચાલતી લીઝ પર ગયા તો ત્યાં રેતી ખનન કરતાં ભૂમાફિયા અને માણસો ટ્રક તો શું નાવડી પણ લઈને ગાયબ થઈ ગયા હતાં. આ ઘટના અંગે ભૂમાફિયાઓ માહિતગાર થઈ ગયા હતાં કે શું ? તે ચર્ચાનો વિષય બન્યો હતો. ભૂસ્તર વિભાગના અધિકારી સાથેની વાત બાદ માત્ર થોડા જ સમયમાં ભૂમાફિયાઓ સાધન સરંજામ લઈને ગાયબ થઈ જતાં અધિકારીની પ્રમાણીકતા પર પણ શંકા સેવાઈ રહી છે. માંડવી તાલુકાના ઉન, કોસાડી, પીપરિયા અને બારડોલી તાલુકા કડોદ ગામે મોટા પાયે રેતી ખનન થઈ રહ્યું છે. ઉપરોકત ગામો પૈકી અનેક જગ્યાએ લીઝ ધારકો પોતાના હદ વિસ્તાર સિવાય બીજા વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશ કરી રેતી ખનન કરતાં હોવાનું જાણવા મળેલ છે. ભૂમાફિયાઓ લીઝ સિવાય અન્ય વિસ્તારમાંથી રેતી ખનન કરતાં તટના ગામોએ ભારે નુકસાની સહન કરવી પડે છે. જે અંગે અનેકવાર ગામના જાગૃત નાગરિકોએ ખાણ ખનિજ વિભાગમાં જાણ કરતાં અધિકારીઓ મોડામોડા આવે અને અસમંજસ જેવી કાર્યવાહી કરી પરત જતા રહેતાં ફરી થોડા દિવસમાં ભૂમાફિયાઓ પોતાનું કામકાજ શરૂ કરી છે. જેના કારણે અધિકારીઓની કામગીરી પર પણ શંકા સેવાઈ રહી છે.
અધિકારીની ભુંડી ભુમિકા
લીઝ ધારક પોતાની લીઝ કરતાં બીજા વિસ્તારમાં ઘૂષણખોરી કરી રેતી ખનન કરતાં હોય છે. અને આટલું જ નહીં રોયલ્ટીના નામો પણ જુદાજુદા હોય અને સરનામા પણ જુદા હોવાનું જાણવા મળ્યું છે. જે અંગે ગામના નાગરિકે અધિકારીને જાણ કરી હતી. પરંતુ અધિકારીઓની છત્રછાયા હોવાથી અવા ભૂમાફિયાઓ પર કોઈ આંચ આવતી નથી.