પાઈપલાઈન ફાટતાં ઝકરિયા બંદર જળબંબાકાર

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બળબળતા ઉનાળામાં મુંબઈના અનેક વિસ્તારોમાં પાણીની તંગી પડે છે, એવામાં શિવરીના ઝકરિયા બંદર ખાતે રવિવારે સવારે ૫૭ ઈંચ વ્યાસ ધરાવતી પાઈપલાઈનમાં તડ પડતાં લાખો લિટર પાણી વહી ગયું હતું. આથી સર્વત્ર ચોમાસામાં વરસાદનું પાણી ભરાઈ ગયું હોય એવું વાતાવરણ સર્જાયું હતું. રાતે મોડે સુધી પાઈપલાઈનનું સમારકામ ચાલતું હતું. આ ઘટનાની અસર વિસ્તારના પાણી પુરવઠા પર થવાની નહીં હોવાનું મહાનગરપાલિકાએ જણાવ્યું હતું. ભંડારવાડા જળાશય (રિઝર્વોયર) તરફ જતી આ પાઈપલાઈનમાં રવિવારે સવારે ૧૧ વાગ્યાના સુમારે તડ પડી હોવાની માહિતી એક પોલીસ જવાને મહાનગરપાલિકાને આપી હતી. આ પાઈપલાઈનમાં ભંગાણને પગલે આખા ઝકરિયા બંદર વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું અને તેને કારણે રસ્તા પર વાહનવ્યવહારની ગીચતા પણ વધી હતી. કેટલાક કલાકો માટે વાહનોને અન્ય માર્ગે વાળવા પડ્યા હતા. જોકે આ ઘટનાનું બીજું પાસું એવું હતું કે ભરાયેલાં પાણીનો લાભ અનેક વાહનચાલકો અને ફૂટપાથવાસીઓએ લીધો હતો. ફૂટપાથવાસી બાળકો અને મોટેરાઓએ ગરમીમાં સ્નાનનો આનંદ માણ્યો હતો અને વાહન ચાલકોએ તેમનાં વાહનો ધોયાં હતાં. પાઈપ ફૂટતાંની સાથે પાણીનું જોર ખૂબ હોવાથી તરત જ પાઈપનું સમારકામ શક્ય બન્યું નહોતું. તેથી અમુક પ્રમાણમાં પાણી વહી ગયા પછી જોર ઘટતાં પાલિકાના કર્મચારીઓએ સમારકામ શરૂ કર્યું હતું.