મામી ફિલ્મ ફેસ્ટ.માં વહીદા રહેમાનને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખ્યાતનામ અભિનેત્રી વહીદા રહેમાનને આગામી ૧૪મા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવશે. આઠ દિવસ ચાલનારો ૧૪મો મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ ૧૮મી ઓક્ટોબરે શરૂ થશે. આ કાર્યક્રમનું આયોજન મુંબઈ એકેડેમી ઓફ મુવિંગ ઈમેજે કર્યું છે. આ વર્ષે અમે વહીદા રહેમાનને તેમણે છેલ્લાં ૬૦ વર્ષમાં કરેલા ઉત્કૃષ્ટ અભિનય માટે લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવાનું નક્કી કર્યું છે, એમ મુંબઈ એકેડમી ઓફ મુવિંગ ઈમેજ (મામી)ના ચેરમેન શ્યામ બેનેગલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. આ પ્રસંગે સુધીર મિશ્રા, રમેશ સિપ્પી અને અમિત ખન્ના (ચેરમેન રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ) અને અન્ય મામીના ટ્રસ્ટીઓ ઉપસ્થિત હતા. રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ દ્વારા શરૂ કરાયેલા આ ફેસ્ટિવલમાં ૨૦૦થી વધુ ફિલ્મો દર્શાવવામાં આવશે, જેમાંથી ૯ મૂંગી ફિલ્મો હશે. ફેસ્ટિવલ વિશે વાત કરતાં સિપ્પીએ જણાવ્યું હતું કે હું અત્યારે માત્ર એટલું જ કહીશ કે એક ઉત્સવ તમારે આંગણે આવી ઊભો છે. ફેસ્ટિવલમાં ફિલ્મોનું સુંદર મિશ્રણ હશે અને ફેસ્ટિવલો ફિલ્મોને ઊજવવા અને માણવાનો શ્રેષ્ઠ સમય છે. આ વર્ષે ફેસ્ટિવલમાં ફ્રાંસની ૮ ફિલ્મો અને ઈટાલીની ઘણી ફિલ્મો છે જેનાથી હું પ્રેરિત થયો છું. ફેસ્ટિવલના અન્ય કાર્યક્રમોમાં મૂંગી ફિલ્મો લાઈવ ઓરકેસ્ટ્રા દ્વારા પ્રદર્શિ‌ત કરવામાં આવશે તેમ જ અફઘાનિસ્તાનની ફિલ્મો અને દુનિયાભરની 'કલાસિક’ ફિલ્મો પ્રદર્શિ‌ત થશે. આ ફેસ્ટિવલમાં એવોર્ડ જીતનારી અને ઊંચી ગુણવત્તા ધરાવતી ફિલ્મો દર્શાવવામાં આવશે અને આવો ફેસ્ટિવલ યોજવો એ એક સ્વપ્ન જેવું છે, એમ શ્યામ બેનેગલે જણાવ્યું હતું.