સાતારાના અનપટવાડી ગામમાં આગવી પ્રથા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અનપટવાડીના ગ્રામજનો નવી જન્મલી દીકરીને નામે ફિક્સ્ડ ડિપોઝિટ મૂકે છે સાતારા જિલ્લાના વાઈ તાલુકામાં અનપટવાડી નામના નાનકડા ગામની વસતિ ફક્ત પાંચસો જણની હોવા છતાં આ મુઠ્ઠીભર લોકોએ સંપૂર્ણ ગામ માટે શરૂ કરેલા ઉપક્રમથી સમાજ માટે એક આદર્શ દાખલો પડયો છે. રોજીરોટી માટે મુંબઈ ગયેલા ગામના લોકોએ ગામની પ્રત્યેક બાળકી સન્માનપૂર્વક મોટી થવી જોઈએ એ માટે કોઈની વાટ ન જોતાં પોતે ફંડ ઊભું કર્યું છે. ગયા વર્ષ દરમિયાન ગામમાં જન્મેલી પ્રત્યેક બાળકીના નામે રૂ. પાંચ હજારની રકમનો ચેક જમા કરવામાં આવ્યો. બાવધન ગામના બારમાંથી એક એવો અનપટવાડીમાં પ્રત્યેક ઘરમાંથી ઓછામાં ઓછા એક સભ્ય મુંબઈમાં રોજીરોટી માટે સ્થળાંતરિત થયો છે. પરંતુ મુંબઈ ગયેલા આ લોકોએ ગામ સાથે સંબંધ જાળવી રાખ્યો છે. તેમણે ''શ્રી ગ્રામવિકાસ મંડળ, મુંબઈ’ નામે વર્ષ ૧૯૯૮માં સંસ્થા શરૂ કરી હતી. આ મંડળનાં અધ્યક્ષ અનિલ અનપટ છે અને સચિવ હનુમંત માંઢરે છે. મંડળે સભ્યો પાસેથી દર મહિ‌ને પ૦ ઊઘરાવી નાણા એકઠાં કર્યાં અને તેમાંથી ગામની કાયાપલટ શરૂ થઈ. ગામમાં બિનવિરોધ ચૂંટણી થઈ, શાળા વ્યવસ્થિત બની, શીખનારી બાળકીઓની સંખ્યા વધી, આદિવસી બાળકોનો ખર્ચ મંડળે ઉપાડયો. પોતે જ નાણાં ઊભાં કરી ગામમાં પાણી લાવ્યા, રસ્તા થયા, એસટી આવી, કોઈ પણ સરકારી યોજનાની રાહ ન જોતાં ગામવાસીઓએ ગામની કાયાપલટ કરી નાખી. એક વર્ષ પૂર્વે સાતારા જિલ્લામાં બાળકીઓની ઘટતી સંખ્યાના સમાચારે મંડળ અસ્વસ્થ થયું. બાળકી સન્માનથી મોટી થાય એ ઉદ્દેશ આંખ સામે રાખી તેમણે બાળકીના નામ પર રૂ. પાંચ હજાર જમા કરવાનું નક્કી કર્યું. બાળકીનો જન્મ થયો છે એવી બાતમી મળતાં જ રૂ. પાંચ હજારનો ચેક બાળકીના નામે વાઈની સૈનિક સહકારી બેન્કમાં જમા થાય છે. બાળકીના ૨૧મા વર્ષે તેને આ રકમ વ્યાજ સહિ‌ત મળે એવી આ વ્યવસ્થા છે. આજ સુધી સાત બાળકીઓને નામે આ રકમ જમા થઈ છે.