બુલઢાણામાં બસ નદીમાં ખાબકતાં ૧૯નાં મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શેગાવથી પાર્તુડ્યા તરફ જનારી રાજ્ય પરિવહન મંડળની બસ ખિરોડા પુલ પરથી પુર્ણા નદીમાં જઈ પડી હતી. બુધવારે સવારે ૧૦.૩૦ વાગ્યે થયેલા આ ભીષણ અકસ્માતમાં ૧૯ પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે, જ્યારે ૧૪ ગંભીર રીતે ઘાયલ થયા છે. જખમી પ્રવાસીઓને આકોલા જિલ્લાની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. બસમાં લગભગ ૩૩ પ્રવાસીઓ હતા. બસનું ટાયર ફૂટી જવાથી આ અકસ્માત થયો હોવાનો પ્રાથમિક અંદાજ છે. આ ઘટનાની જિલ્લામાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. રાજ્ય પરિવહન મહામંડળની શેગાવ ડેપોની બસ (એમએચ ૧૨ ઈએફ/૬૮૬૭) કાંદ્રી તરફ જઈ રહી હતી. શેગાવથી ૧૨ કિ.મી દુર ખિરોડા ગામ નજીક પુર્ણા નદીના પુલ પરથી પસાર થતી વેળા બસનું આગળનું ટાયર ફાટી ગયું હતું જેથી ડ્રાઈવરનું બસ પરથી નિયંત્રણ છૂટી બસ ૩પ ફૂટ નીચે નદીના પ્રવાહમાં જઈ પડી હતી. નદીમાં આઠથી નવ ફૂટ પાણી હોવાથી પ્રવાસીઓ બસમાં જ ફસાઈ ગયા હતા. મદદ માટેની બૂમો સાંભળી નજીકના ગામવાસીઓ અને વિસ્તારના ખેડૂતો દોડીને મદદ માટે આવ્યા હતા. વહીવટી તંત્રને અકસ્માતની જાણ કરવામાં આવી હતી. તેથી બચાવ અને રાહતકાર્યમાં મદદ મળી હતી. શેગાવ સંસ્થાનથી એક એમ્બ્યુલન્સ અને વોર્ડબોય ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. એક- એક કરીને કુલ ૧૭ મૃતદેહો બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જખ્મી વ્યક્તિઓને બહાર કાઢી શેગાવ સઈબાઈ મોટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી ૧૨ ગંભીર ઘાયલોને આકોલા જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આમાંથી બે જણનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ખામગાવથી ક્રેન મગાવી નદીના પ્રવાહમાં પડેલી બસને ચાર કલાકના પ્રયત્નો બાદ બહાર કાઢવામાં આવી હતી.મૃતકોમાં રેશમા તાયડે (૨૨), પ્રમિલા હરિભાઉ મોરે (૪પ), નામદેવ દગડુ સમદુર (૬પ), સરસ્વતી રામેશ્વર ઈંગળે (૬૦), મિનાક્ષી દિગંબર તાયડે, દેવીદાસ, લાલચંદ શાહ, ગણેશ શ્રીરામ સિરસાટ, વાસુદેવ હરિરામ પુંડે, તુલસાબાઈ શાંતારામ યેનકર (૬પ), જુબંદા બી. શેખ મહેમુદ (૭૦), રાજેન્દ્ર ચાંડક (૪૪), બસનો ડ્રાઈવર વેંકટ ડાબેરાવ તેલ્હારા, આશા કૈલાસ ભારંબે, કૈલાસ ભારંબે અને શ્રાવણ નાગેનો સમાવેશ થાય છે.