મુંબઈ ગણેશોત્સવમાં સામાજિક અભિયાન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ગણેશમંડળોમાં સ્ત્રીભ્રૂણ હત્યાનો મુદ્દો મોખરે ગણેશોત્સવ દરમિયાન સામાજિક મુદ્દાઓ અંગે લોક જાગૃતિની પરંપરા જૂની છે. જેમાં સાંપ્રત સમસ્યાઓ વિશે ટિપ્પણીઓ, સામાજિક પ્રશ્નો રજૂ કરવા વગેરે બાબતોનો સમાવેશ છે. તેમાં સ્ત્રીભ્રૂણ હત્યાનો મુદો આ વખતે મોખરે છે. બીડમાં પ્રકાશમાં આવેલા ડો. મુંડે દંપતિનાં દુષ્કર્મો, સમાચારપક્ષોમાં વારંવાર પ્રસિદ્ધ થતાં બાળકીઓનાં જન્મ ની ઘટતી ટકાવારીના સમાચાર વગેરે મુદ્દે ચિત્રો અને પુતળાંના સજાવેલાં દૃશ્યો રજૂ કર્યા છે. કાંદિવલી પ‌શ્ચિ‌મમાં 'સાર્વજનિક ઉત્સવ મંડળ’ (ચારકોપ) તરફથી ફિલ્મના માધ્યમથી સ્ત્રીભૃણ હત્યાના મુદ્દોની ચર્ચા કરી છે. પરંપરા, સંસ્કૃતિમાં પણ સ્ત્રીનું અસ્તત્ત્વિ‌ કેટલું આવશ્યક છે, તે દૃશ્યો દ્વારા સમજાવવામાં આવ્યું છે. આ માટે મંડળે કીર્તનના માધ્યમનો પણ ઉપયોગ કર્યો છે. એક બાજુએ સ્ત્રી અંતરિક્ષમાં સફળતા પૂર્વક પહોંચી છે જ્યારે બીજી બાજુએ તેનું સમાજમાં સ્થાન તેટલું જ મહત્ત્વનું હોવાથી તેનું અવમૂલ્યન રોકવાની જરૂરિયાત દર્શાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું મંડળનાં પ્રમુખ વિજય પવારે જણાવ્યું હતું. પરેલ ખાતે અનેક વર્ષોની પરંપરા ધરાવતા 'નરે પાર્ક સાર્વજનિક ગણેશોત્સવ મંડળ’એ પણ સ્ત્રીભૃણ હત્યાનાં મુદ્દાને પ્રાધાન્ય આપ્યું છે. બાળકીઓ બચાવવાનો સંદેશ સામાન્ય માનવી સુધી પહોંચાડવા ગણેશોત્સવનું માધ્યમ પ્રભાવશાળી છે, એમ મંડળે જણાવ્યું છે. બોરીવલી પ‌શ્ચિ‌મમાં સોડાવાલા લેનમાં 'સાઈ ગણેશ વેલફેર એસોસિયેશને’પણ 'બેટી બચાવ’ ઝુંબેશ ચલાવી છે. માજી વડાપ્રધાન ઈંદિરા ગાંધી, અંતરિક્ષ યાત્રી કલ્પના ચાવલા, મધર ટેરેસા જેવી પ્રસિદ્ધ સ્ત્રીઓનાં કાર્યની મહત્તા અહીંની સજાવટમાં દર્શાવાઈ છે.