શરદ પવારનું લક્ષ્ય પૃથ્વીરાજ નહીં પણ અજિત પવાર

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અગાઉ મળેલી સગવડો પાછી ખેંચાતાં મહારાષ્ટ્રમાંથી મોટા ઉદ્યોગો અન્ય રાજ્યોમાં જઇ રહ્યા હોવા બાબત કેન્દ્રીય કૃષિ પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના સર્વેસવૉ શરદ પવારે કરેલી ટીકા મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચૌહાણ ઉપર ન હોઇ નાયબ મુખ્ય પ્રધાન એવા તેમના ભત્રીજા અજિત પવાર ટીકાનું લક્ષ્ય હતું એવી ચર્ચાએ હવે જોર પકડ્યું છે. મારુતિ કંપનીનો રૂ. ૩ હજાર કરોડનો પ્રોજેક્ટ ગુમાવવામાં તેમ જ મહિન્દ્રાનો રૂ. ચાર હજાર કરોડનો પ્રોજેક્ટ તામિલનાડુમાં ગયો હોવાની નારાજી પવારે હાલમાં જ વ્યક્ત કરી હતી. ઉદ્યોગ માટે આપવામાં આવેલી સુવિધાઓની અમલબજાવણી ન થવાથી આ ઉદ્યોગો રાજ્ય બહાર ગયા હોવાનો ઉલ્લેખ શરદ પવારે કર્યો હતો. ઉદ્યોગોને જાહેર થયેલા વેટના રિફંડની સુવિધા રદ કરવા માટે અજિત પવારના નાણાં ખાતાએ સેશન્સ હેઠળ કાયદાની કલમ ૫૨ (અ)માં એક વર્ષ પહેલાં ફેરફાર કર્યો હતો. કંપનીની ઉપ-કંપનીઓને વેટના રિફંડની સુવિધા લાગુ ન પડવાના નિર્ણય બાદ જ મારુતિ અને મહિન્દ્રાએ મહારાષ્ટ્રમાંથી પોબારા ભણ્યા હતા. મોટા ભાગના ઉદ્યોગો પોતાનાં ઉત્પાદનોના માર્કેટિંગ માટે ઉપ- કંપનીઓની સ્થાપના કરે છે. આ ઉપ- કંપનીઓનો માલ વેચાય છે તેમ જ તેમને વેટનું રફિન્ડ મળે છે. અજિત પવારે કાયદામાં ફેરફાર કર્યો હોવાથી ઉદ્યોગ જગતમાં ફરી વળેલી નારાજગી બાબત શરદ પવારે જાહેરપણે અજિત પવારના કાન આમળ્યા હોઇ કેન્દ્રીય ઉદ્યોગ પ્રધાન પ્રફુલ્લ પટેલે આ માટે શરદ પવારનો સાથ આપ્યો હતો. શિવસેનાના વિધાનસભાના જુથ નેતા સુભાષ દેસાઇએ વાહનો ઉપર વેટના રિફંડમાં કરોડો રૂપિયાની હેરાફેરી થઇ હોવાનો મુદ્દો એકાદ વર્ષ પહેલાં ઉપસ્થિત કર્યો હતો. વિધાનસભામાં બજેટ ઉપર ભાષણમાં પણ દેસાઇએ વેટ રિફંડની સુવિધા રદ કરવાની માગણી કરી હતી. ત્યાર બાદ નાણાં ખાતાએ કાયદામાં સુધારો કર્યો હતો. હાલમાં પૂણેમાં પત્રકારો સાથે બોલતાં વેટ બાબત અમે અમારો પ્રસ્તાવ મૂક્યો છે. હવે મુખ્ય પ્રધાને ઔધ્યોગિક નીતિ બાબતનો નિર્ણય લેવાનો છે, એમ જણાવી અજિત પવારે મુખ્ય પ્રધાન તરફ ટીકા વાળવાનો પ્રયત્ન કર્યો હતો.