RTOએ બનાવટી લાઈસન્સ બનાવ્યાં!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંધેરી RTOએ સવા લાખ બનાવટી સ્માર્ટ કાર્ડ-ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવ્યાં હતાં અંધેરીના આરટીઓ કાર્યાલયમાંથી લગભગ સવા લાખ બનાવટી સ્માર્ટ કાર્ડ ડ્રાઈવિંગ લાઈસન્સ તૈયાર કરાયાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પરંતુ આ પ્રકરણે હજુ સુધી કોઈની સામે પગલાં લેવાયાં નથી. તેથી આ પ્રકરણમાં વાહનવ્યવહાર મંત્રાલય આરટીઓ અધિકારીઓને છાવરતું હોવાનો આરોપ મુકાઈ રહ્યો છે. ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના અને સરકારી કાર્યાલયમાં રહેઠાણના પુરાવા તરીકે તેમજ મુંબઈમાં રિક્ષાઓ, ટેક્સીઓ હંકારવાના વ્યવસાયમાં પ્રવેશ માટે બોગસ ડ્રાઈવિંગ લાઈસન્સ વપરાય છે. આરટીઓ કાર્યાલયમાં બિન્ધાસ્ત ફરતા દલાલો સાથે સ્માર્ટ કાર્ડ લાઈસન્સ સર્વિસ પ્રોવાઈડર યુટીએલ કંપનીના કર્મચારીઓ તેમજ આરટીઓના કર્મચારીઓ સામેલ છે. તેમને લાંચ આપતાં બનાવટી લાઈસન્સ મળી જતું હોય તો આરોપ મુકાય છે. અંધેરીના આરટીઓ કાર્યાલયના લાઈસન્સ વિભાગમાં બનાવટી લાઈસન્સનું રીતસર કારખાનુ જ ચાલતું હતું. અધિકારીઓના ‘લોગ ઈન’ અને ‘પાસ વર્ડ’ વાપરીને તથા નકલી ‘લોગ ઈન’ તથા ‘પાસ વર્ડ’ તૈયાર કરીને સ્માર્ટ કાર્ડ ડ્રાઈવિંગ લાઈસન્સો બનાવવામાં આવ્યા હતા. આ બાબતમાં જાહેર માધ્યમોએ પર્દાફાશ કર્યા બાદ હાથ ધરાયેલી તપાસમાં વર્ષ ૨૦૦૭થી વર્ષ ૨૦૦૯ દરમિયાન સવા લાખ બનાવટી લાઈસન્સ બનાવીને તેનું વિતરણ કરાયું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. રાજ્યના એકાઉન્ટન્ટ જનરલે હાથ ધરેલી તપાસમાં લગભગ ૮૯,૮૦૦ ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવટી હોવાનું ફલિત થયું હતું. આ તપાસ પૂર્વે લગભગ ૩૯ હજાર બનાવટી લાઈસન્સ મળી આવ્યા હતા. વળી આરટીઓની આખરી મંજુરીના સહી સિક્કાવાળા (કેએમએસ) પરવાના (લાઈસન્સો) લાખોની સંખ્યામાં છે. લાઈસન્સ નંબર એકનો હોય, તેના પર રહેઠાણનું સરનામું બીજાનું હોય અને ફોટોગ્રાફ ત્રીજી વ્યક્તિનો હોય આ પદ્ધતિએ કોમ્પ્યુટરાઈઝડ પદ્ધતિએ બનાવટી લાઈસન્સ તૈયાર કરાયા છે. બનાવટી સ્માર્ટ કાર્ડ ડ્રાઈવિંગ લાઈસન્સના પ્રકરણમાં તપાસ માટે એડશિનલ કમિશનર શિરિષ ઠાકુરની અધ્યક્ષતામાં સમિતિ નિરવામાં આવી હતી. એ સમિતિએ એક વર્ષ સુધી તપાસ કર્યા બાદ ટ્રાન્સપોર્ટ કમિશનર વી. એન. મોરેને અહેવાલ આપ્યો હતો.