મુંબઈ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની નિયુક્તિ ઓગસ્ટમાં કરાશે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાષ્ટ્રપતિ અને વિધાન પરિષદની ચૂંટણીઓના મતદાન પર અસર ન થાય એ માટે સંગઠનની ચૂંટણીઓ મુલતવી રખાઈ આવકનાં સાધનો કરતાં વધુ મિલકતોના વિવાદને પગલે કૃપાશંકર સિંહને રાજીનામું આપવાની ફરજ પડ્યા પછી ખાલી પડેલા મુંબઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદની ચૂંટણી કે નિયુક્તિનો મુદ્દો આવતા ઓગસ્ટ મહિ‌નામાં હાથ ધરાય એવી શક્યતા છે, કારણ કે દિલ્હીમાં કોંગ્રેસના મોવડી મંડળ સાથે બેઠક દરમિયાન રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પછી જુલાઈમાં મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીઓ રંગે ચંગે પાર પડે ત્યાર પછી કોંગ્રેસના મુંબઈ શહેર એકમના પ્રમુખ માટેની કામગીરી હાથ ધરવા સંમતી સધાઈ હોવાનું જાણવા મળ્યું હતું. મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાં ફેરફારો અને પક્ષ સંગઠનના હોદ્દા પર ફેરફારોની ચર્ચા છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી હતી. પરંતુ એ માટે જુલાઈ મહિ‌નાના અંત સુધી મુહૂર્ત આવવાની શક્યતા છે. કોંગ્રેસના મુંબઈ એકમના પ્રમુખ નક્કી કરવા ઉપરાંત રાજ્યના જે ભાગોમાં પક્ષની સ્થિતિ નબળી હોય, ત્યાંના કાર્યકરોની રાજ્ય સરકારનાં નિગમો (ર્કોપોરેશન્સ) અને મંડળો (ર્બોડસ) પર નિમણૂકની કાર્યવાહી પણ હાથ ધરાશે, કારણ કે હવે પછી વર્ષ ૨૦૧૪માં યોજાનારી લોકસભાની ચૂંટણી પર નજર રાખીને પગલાં લેવાઈ રહ્યાં છે. રાજ્યના પ્રધાનમંડળમાં ફેરફાર અને સંગઠનમાં ફેરફારોના અનુસંધાનમાં કોંગ્રેસના માંવડી મંડળ સાથે મહારાષ્ટ્રનો અખત્યાર ધરાવતા મહામંત્રી મોહન પ્રકાશ, મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ અને પક્ષના રાજ્ય એકમના પ્રમુખ માણિકરાવ ઠાકરેની બેઠક દિલ્હીમાં સોમવારે યોજાઈ હતી. એ બેઠક બાદની ચર્ચાઓ અનુસાર મુંબઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે દલિત સમાજના કાર્યકરની નિમણૂક કરવાની હોય તો સસંદ સભ્ય એકનાથ ગાયકવાડ અથવા જનાર્દન ચાંદુરકરને પસંદ કરાય એવી શક્યતા છે. હવે મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખપદની ચૂંટણી થાય અને તેમાં જો પ્રમુખ પદે પ્રધાનો નીતિન રાઉત અથવા જયવંત આવળેમાંથી એકની નિમણૂક કરાય તો મુંબઈ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદ માટે ભાઈ જગતાપનું નામ અગ્રેસર છે.વિધાન પરિષદની ચૂંટણીઓ ૧૧ જુલાઈએ યોજાશે.