મહારાષ્ટ્ર માનવ અધિકાર પંચ અધ્યક્ષ વિહોણું

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કે. આર. વ્યાસના રાજીનામા પછી રાજ્ય માનવહક પંચનું કોઇ ધણીધોરી નથી મહારાષ્ટ્ર માનવ અધિકાર ભંગની ફરિયાદો સાંભળીને ન્યાય આપનાર કોઇ નથી. રાજ્યના માનવ અધિકાર પંચમાં હાલને તબક્કે અધ્યક્ષ સહિત એક પણ સભ્ય મોજૂદ નહીં હોવાથી ત્રણ મહિનાથી સુનાવણીનું કામ બંધ પડ્યું છે.પંચના અધ્યક્ષ તથા મુંબઇ વડી અદાલતના માજી મુખ્ય ન્યાયમૂર્તિ ક્ષિતજિ વ્યાસે ૨૨ ફેબ્રુઆરી, ૨૦૧૨ના રોજ રાજીનામું આપ્યું હતું. તેમની નિમણુંક ગુજરાત સરકારે પોલીસ એન્કાઉન્ટર્સની ઘટનાઓની તપાસ માટેની સમિતિના સભ્ય તરીકે કરી છે. તે ઉપરાંત માજી ન્યાયમૂર્તિ વી. જે. મુનશી પાંચ વર્ષ સભ્યપદે રહ્યા પરંતુ ૧૯ ફેબ્રુઆરી, ૨૦૧૨ના રોજ નિવૃત્ત થયા. અન્ય સભ્ય સુભાષ લાલા (માજી સનદી અમલદાર) આદર્શ સોસાયટી કૌભાંડમાં આરોપી બનતાં તેમણે ૩ જાન્યુઆરી, ૨૦૧૧ના દિવસે જ રાજીનામું આપી દીધું હતું. ટી. શૃંગારવેલ ૨૫ ઓક્ટોબર, ૨૦૧૧ના રોજ સભ્યપદેથી નિવૃત્ત થયા. અત્યારે મહારાષ્ટ્ર રાજ્ય માનવ અધિકાર પંચની બધી ખુરશીઓ ખાલી હોવાથી ઓરિસ્સા વડી અદાલતના માજી મુખ્ય ન્યાયમૂર્તિ બિલાલ નાઝુકી અને મુંબઇ વડી અદાલતના માજી ન્યાયમૂર્તિ ડી. જી. કર્ણિકની નિમણુંકના પ્રયત્નો ચાલે છે. જોકે એ બાબતે હજુ સુધી કોઇ આખરી નિર્ણય લેવાયો નથી. મહારાષ્ટ્ર રાજ્ય માનવહક પંચની સ્થાપના વર્ષ ૨૦૧૧માં કરાઇ હતી. સ્થાપનાનાં અગિયાર વર્ષોના ગાળામાં પંચને મળેલી ૫૧,૩૭૯ ફરિયાદોમાંથી ૪૬, ૪૨૨ ફરિયાદોનો નિકાલ આવ્યો. તેમાંથી સૌથી વધુ કેસોના નિકાલ અને સીમાચિહ્નરૂપ- નોંધપાત્ર ચુકાદા આપવાનું માન તેના છેલ્લા અધ્યક્ષ ન્યાયમૂર્તિ ક્ષિતિજ આર. વ્યાસને ફાળે જાય છે. પંચ પાસે અત્યારે ૪૯૫૭ ફરિયાદોના નિકાલ બાકી છે. પંચના પ્રથમ અધ્યક્ષ ન્યા. અરવિંદ સાવંતે એક જ વર્ષમાં રાજીનામું આપ્યા બાદ હંગામી અધ્યક્ષ પદે મુંબઇ હાઇકોર્ટના માજી ન્યાયમૂર્તિ એ. ડી. માનેની નિમણુંક કરાઇ હતી. એ શરૂઆતના ગાળામાં મળેલી ૧૪૫૪ ફરિયાદોમાંથી ૫૩૮ ફરિયાદોનો નિકાલ આવ્યો હતો અને ૯૧૬ ફરિયાદો નિકાલ વિના રહી હતી. ન્યા. એ. ડી. માનેનો કાર્યકાળ પૂરો થયા બાદ ઘણો વખત એ સ્થાન ખાલી રહ્યુ. ત્યાર પછી ન્યા. ક્ષિતજિ વ્યાસ આવ્યા. તેમણે પણ રાજીનામું આપતાં હવે મહારાષ્ટ્ર રાજ્ય માનવ અધિકાર પંચનું કોઇ ધણીધોરી રહ્યું નથી.