એકતા કપૂર સામેના કેસ પર બોમ્બે હાઇકોર્ટનો સ્ટે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોમ્બે હાઇકોર્ટે બાલાજી ટેલિફિલ્મ્સ વિરુધ્ધ નીચલી અદાલતમાં મેનેજિંગ ડાયરેકટર શોભા કપૂર અને ડાયરેકટર એકતા કપૂર વિરુધ્ધ ચાલતા કેસ પર સ્ટે આપ્યો છે. તેમની સામે અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં એક વકીલને તેની પ્રોફેશનલ ફી ન ચૂકવવા બદલ કેસ ચાલતો હતો. વકીલે પ્રોડક્શન હાઉસ બાલાજી ટેલિફિલ્મ્સને સેવા આપી હતી. બોમ્બે હાઇકોર્ટના જસ્ટિસ અભય ઓકા અને જસ્ટિસ એસ. એસ. જાધવે બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા ફાઇલ કરાયેલી એક પિટિશન મંજૂર રાખી હતી. તેમણે અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં એડવોકેટ રિઝવાન સિદ્દીકી દ્વારા ફાઇલ કરાયેલા કેસ પર સ્ટેની માગ કરી હતી. બોમ્બે હાઇકોર્ટમાં આ કેસની સુનાવણીની આગલી તારીખ ૩૧ ઓક્ટોબર છે. અંધેરી કોર્ટના મેજિસ્ટ્રેટે ૮ નવેમ્બર, ૨૦૧૧ના ચુકાદામાં આઇપીસી ૪૧૫(છેતરિંપડી) અંતર્ગત બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડ અને તેના બન્ને ડાયરેકટર સામે ગુનો નોંધવાનો આદેશ કર્યો હતો. શોભા અને એકતા કપૂર પર આરોપ છે કે, તેમણે વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇના નિર્માણ વખતે કરાર મુજબ વકીલ રિઝવાન સિદ્દીકીને તેની સેવા બદલ રૂ. ૩૦, ૦૦૦ની ફી ચૂકવી નથી. તેમણે નીચલી કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. સુનાવણીની આગલી તારીખ ૩૧ ઓક્ટોબર : બોમ્બે હાઇકોર્ટમાં આ કેસની સુનાવણીની આગલી તારીખ ૩૧ ઓક્ટોબર છે. દરમિયાન, એકતા કપૂરે વન્સ અપોન અ ટાઇમની સિકવલનું કામ શરૂ કરી દીધું છે. તેમાં અક્ષયકુમાર, સોનાક્ષી સિંહા, ઇમરાન ખાન, સોનાલી બેન્દ્રે છે.