ચોપાટીની સુંદરતા જળવાશે: ચવ્હાણ
ચોપાટીની સુંદરતા જાળવી રાખવા માટે સરકાર કટિબદ્ધ છે, એમ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે બુધવારે વિધાનસભામાં જણાવ્યું હતું. ગિરગાવ ચોપાટીનું વાસ્તવિક રૂપ અને તેની સુંદરતા બચાવવા માટે સરકાર સદૈવ પ્રયત્નશીલ રહેશે, એમ વિધાનસભ્ય મંગળ પ્રભાત લોઢા તથા અન્યોએ પૂછેલા પ્રશ્નોનો ઉત્તર આપતાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. આ બાબતે વહેલામાં વહેલી તકે ખાસ પ્રયાસ શરૂ કરાશે. સંબંધિત અધિકારીઓની એક વિશેષ બેઠક પણ બોલાવવામાં આવશે. જગિવખ્યાત મુંબઈની ચોપાટીને કિનારે અસ્વચ્છતા બાબતે વિધાનસભામાં બોલતી વેળા વિધાનસભ્ય લોઢાએ જણાવ્યું હતું કે ચોપાટી પર કેટલાય લોકો ગત ઘણા સમયથી અનધિકૃત કબજો જમાવીને બેઠેલા છે, પરંતુ સરકાર તરફથી કોઈ પગલાં લેવાતાં નથી. પોલીસ આ જવાબદારી મહાનગરપાલિકાની હોવાનું જણાવે છે, જ્યારે મહાપાલિકા દ્વારા પોલીસ આ બાબતમાં સહકાર આપતી નથી એવું બહાનું કરવામાં આવી રહ્યું છે. લોઢાએ જણાવ્યું હતું કે ચોપાટી પર પ્રસરેલી અસ્વચ્છતા અને તેની બનેલી ઘણાસ્પદ સ્થિતિ જોતાં દુનિયાભરમાં દેશનું નામ ખરાબ થઈ રહ્યું હોઈ ચોપાટીની સુરક્ષાના મુદ્દાનું તાકીદે નિવારણ લાવવું જોઈએ, એવી માગણી પણ તેમણે કરી હતી. આ બાબતે મુખ્ય પ્રધાન ચવ્હાણે એમ પણ જણાવ્યું હતું કે સરકાર ચોપાટીની દયનીય સ્થિતિ બાબતે ચિંતાગ્રસ્ત છે અને તેને બચાવી લેવા માટે તાકીદે પ્રયાસ શરૂ કરાશે.