ઉદ્યોગોના પલાયન મુદ્દે અજિત ખફા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિંચાઈ ક્ષેત્રના પરફોર્મન્સ વિશે શ્વેતપત્ર બહાર પાડવાની મુખ્ય પ્રધાનની વાત પછી પવાર કાકા-ભત્રીજા ગિન્નાયા છે ‘‘મહારાષ્ટ્રના ઉદ્યોગો અન્ય રાજ્યોમાં જઈ રહ્યા છે, એ સારા વહીવટનાં લક્ષણ નથી’’ એમ કહીને મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણની ટીકા એનસીપી પ્રમુખ શરદ પવારે કર્યા પછી હવે તેમના ભત્રીજા અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પણ તેમાં જોડાયા છે. ઔધ્યોગિક ક્ષેત્રે નબળી કડીઓનો વધુ જોરથી ઢંઢેરો પીટવા અજિતદાદા પવારે ‘‘ઉદ્યોગો બાબતે નીતિ જાહેર કરવાની બધી જવાબદારી મુખ્ય પ્રધાનની જ છે’’ એવું વિધાન કરીને પૃથ્વીરાજ ચવ્હાણ તરફ આંગળી ચિંધી છે. સિંચાઈ ક્ષેત્રે નબળવા પરફોર્મન્સ અંગે શ્વેતપત્ર બહાર પાડવાની મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણની વાતથી ગિન્નાયેલા પવાર કાકા- ભત્રીજાએ હવે ઔધ્યોગિક ક્ષેત્રે નબલા પરફોર્મન્સ માટે મુખ્ય પ્રધાન પર માછલાં ધોવાની શરૂઆત કરી છે. ગયા સપ્તાહે શરદ પવારે ‘‘રાજ્યના ઉદ્યોગો બહાર-અન્ય રાજ્યોમાં જવા માંડયા છે,’’ એમ કહ્યું ત્યાર પછી હવે તેમના ભત્રીજા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના સિનિયર નેતા અજિત પવારે એ જ ઘોડા પર સવારી કરતાં પૃથ્વીરાજ પર ટીકાસત્ર ચલાવ્યું છે. નાણાં પ્રધાન તરીકે નિવેદન કરતાં અજિત પવારે જણાવ્યું કે ‘‘વેટ તેમ જ અન્ય મુદ્દે અમારાં નાણાં મંત્રાલયે ટિપ્પણી રજૂ કરી છે. કોંગ્રેસ હસ્તકના ઉદ્યોગ ખાતાએ પણ પોતાની કેફિયત જણાવી છે.મુખ્ય પ્રધાને ઔધ્યોગિક ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે પણ ચર્ચા કરી છે. તેથી હવે ઉદ્યોગો બાબતે ઉચિત નિર્ણય મુખ્ય પ્રધાન કેબિનેટમાં રજૂ કરે, અમારું મંત્રાલય તેનો યોગ્ય રીતે અમલ કરશે. રાજ્યમાંથી ઉદ્યોગનું ગળતર થઈ રહ્યું છે. ‘વેટ’ નીતિ સામે ઉદ્યોગોએ જોરદાર વિરોધ કર્યો છે. તેમ છતાં મુઢ્ઢીભર ઓટો ઉદ્યોગો રાજ્યમાંથી બહાર જવા માગતા હોય તો ખુશીથી જાય. પરંતુ તેમના બ્લેક મેઈલિંગને વશ થઈને અમે ‘વેટ’ પર રિફંડ આપવાના નથી.’’ નાણાં મંત્રાલયની સખ્તાઈ સામે પણ ઓટોમોબાઈલ તથા અન્ય ઉદ્યોગોની નારાજગી છે.