મહારાષ્ટ્રમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર ચિંતાનો વિષય: શરદ પવાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

‘‘મહારાષ્ટ્રમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા અને સ્તર ચિંતાનો વિષય બન્યા છે. નવી પેઢીનો શિક્ષણનો પાયો કાચો રહે તો સામાજિક પાયો પણ કાચો રહે. તેથી પ્રાથમિક-માધ્યમિક શિક્ષણનું સ્તર સુધારવા માટે કેટલીક શાળાઓ હસ્તગત કરીને પરિવર્તન લાવવાનો પડકાર મોટી શિક્ષણ સંસ્થાઓએ ઉપાડવો જોઈએ. આજે રાજ્યમાં પ્રાથમિક શિક્ષણના સ્તર, દશા, દિશા તરફ દ્રષ્ટિપાતની જરૂર છે.

આ રીતે ખરી સ્થિતિની સમીક્ષાને આધારે પરિવર્તન લાવવાની જવાબદારી ડેક્કન એજ્યુકેશન સોસાયટી, ભારતી વિદ્યાપીઠ, રૈયત એજ્યુકેશન સોસાયટી વગેરે સંસ્થાઓએ સંભાળવી જોઈએ,’’ એમ કેન્દ્રના કૃષિ પ્રધાન શરદ પવારે પુણેમાં ભારતી વિદ્યાપીઠના સુવર્ણ જયંતી વર્ષના આરંભ નિમિત્તે યોજાયેલા સમારંભને સંબોધતાં જણાવ્યું હતું.

એરંડવણા ખાતે યોજાયેલા આ સમારંભમાં કેન્દ્રના ગૃહ પ્રધાન સુશિલકુમાર શિંદે, મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ, વિદ્યાપીઠના સ્થાપક અને જંગલ ખાતાના પ્રધાન પતંગરાવ કદમ, વાઈસ ચાન્સેલર ડૉ. શિવાજીરાવ કદમ, રજિસ્ટ્રાર ડૉ. વિશ્વજિત કદમ, વિજયમાલા કદમ, પી. સી. શેજવલકર, રૈયત શિક્ષણ સંસ્થાના કાર્યકારી પ્રમુખ રાવસાહેબ શિંદે, ડૉ. આનંદરાવ પાટીલ, ઈન્દ્રજિત મોહિતે, ડિવિઝનલ કમિશનર પ્રભાકર દેશમુખ, પુણેના પોલીસ કમિશનર ગુલાબરાવ પોળ, જિલ્લા કલેક્ટર વિકાસ દેશમુખ વગેરે મહાનુભાવો મંચ પર ઉપસ્થિત હતા. સંસ્થાના માજી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સેવકોનું આ નિમિત્તે બહુમાન કરવામાં આવ્યું હતું.

સુશીલકુમાર શિંદેએ ભારતી વિદ્યાપીઠનો વિકાસ અને તેનું કાર્ય દંતકથા સમાન વર્ણવતાં જણાવ્યું હતું કે ‘‘આ સંસ્થાએ ફકત વૈભવની ઈમારતો ઊભી કરી નથી, તેમાં સંસ્કારક્ષમ વિદ્યાર્થી ઉછેર્યા છે અને જ્ઞાનના વટવૃક્ષનું સર્જન કર્યું છે. દુકાળગ્રસ્ત પ્રાંતમાંથી આવતા પતંગરાવનું આ કાર્ય દંતકથા સમાન છે.’’ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે પતંગરાવને સંકલ્પ અને નિષ્ઠાના આધારે શૂન્યમાંથી સૃષ્ટિ સર્જનાર ગણાવ્યા હતા અને ગ્રામિણ ક્ષેત્રના બાળકોને શિક્ષણ માટે વિરાટ સુવિધા આપનાર ગણાવ્યા હતા.

પતંગરાવ કદમે જણાવ્યું હતું કે ‘‘પુણેમાં શિક્ષણ સંસ્થા સ્થાયી ત્યારે મુશ્કેલીઓ નડી. પરંતુ મેં લડત આપી. પછીથી પુણેકરોએ મને સ્વીકાર્યો. મેં સ્વપ્નો જોયાં અને એ સાકાર કરવા પ્રયત્નો પણ કર્યા. આજે એ સ્વપ્નો પૂર્ણ થઈ રહ્યાં છે. સંસ્થાનો વિસ્તાર દિલ્હી, દુબઈ અને અમેરિકા સુધી થયો છે.’’