• Gujarati News
  • The Temptation To Give CM Businessmen Neighboring State Say Uddhav Thackeray

પહેલાં રાજ્યનું રોકાણ પડોશી રાજ્યમાં જતું અટકાવી બતાવો : ઉદ્ધવ ઠાકરે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર:શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે)
-વિદેશી રોકાણ મુદ્દે મહારાષ્ટ્ર અગ્રેસર હશે તેવો CMનો વિશ્વાસ પ્રશંસનીય, પરંતુ...
-પડોશી રાજ્યના CM અહીંના ઉદ્યોગપતિઓને લાલચ આપી જાય છે : શિવસેના પ્રમુખ
-મહારાષ્ટ્રમાં શિવસેનાનો અવાજ બુલંદ હતો અને રહેશે

મુંબઈ:આગામી એક વર્ષમાં વિદેશી રોકાણની બાબતમાં મહારાષ્ટ્ર અગ્રેસર હશે એમ મુખ્યમંત્રીને લાગે છે. તેમના વિશ્વાસને અમે દાદ આપીએ છીએ. પણ રાજ્યનું સ્વદેશી રોકાણ પડોશના રાજ્યમાં જાય છે અને પડોશના મુખ્યમંત્રી મુંબઈ આવીને અહીંના ઉદ્યોગપતિઓને લાલચ આપતા હોય તો એનું શું કરવું એવા શબ્દોમાં શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપને અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટોણો માર્યો હતો.
શિવસેના સાથેની યુતિ તૂટી એટલે ભાજપને પોતાની ખરી તાકાતની જાણ થઈ એવું નિવેદન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કોલ્હાપુર ખાતે તાજેતરમાં કર્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ પક્ષના મુખપત્ર સામના થકી ફડણવીસના નિવેદન પર પ્રત્યુત્તર આપ્યો હતો. ફડણવીસની ખુશી પર અમે પાણી રેડવા માગતા નથી પણ મહારાષ્ટ્રમાં શિવસેનાનો અવાજ બુલંદ હતો અને રહેશે એમ ઉદ્ધવે સ્પષ્ટપણે જણાવ્યું હતું. શિવસેનાના ચહેરા પર નકાબ અને મેકઅપ ક્યારેય નથી હોતો. પાંચ-છ વિધાનસભ્યો વધે તો અમારી તાકાતનો દેડકો ક્યારેય ફૂલાતો નથી એવો ટોણો પણ તેમણે માર્યો હતો.
કેન્દ્રની મોદી સરકારની વર્ષપૂર્તિથી દૂર રહેનાર શિવસેનાએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત પર પ્રશ્નચિહ્ન ઊભો કર્યો હતો. કોંગ્રેસ-રાષ્ટ્રવાદીને મહારાષ્ટ્રમાંથી ઉખેડી નાખવા માટે શિવસેનાએ અથાક પ્રયત્નો કર્યા હતા. પણ શિવસેનાની કર્તવ્ય તત્પરતા કરતા કેટલાક વિસ્તારોની જનતા લગાડવામાં આવેલા મેકઅપને ભૂલી ગઈ હતી એમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.
એર ઈંડિયા, પેટંટ કાર્યાલય, જળવાહતૂક, પોર્ટ ટ્રસ્ટ, રેલવે જેવા મુખ્યાલયો મુંબઈમાંથી ખસેડવામાં આવી રહ્યા છે અને મુખ્યમંત્રી એના પર નક્કર ભૂમિકા લેતા નથી. એર ઈંડિયાના મરાઠી કર્મચારીઓને દિલ્હીએ અમાનવીય રીતે છેતર્યા છે. રાજ્યના મુખ્યમંત્રી તરીકે ફડણવીસ કેન્દ્રને દમ આપવાનું ધોરણ નહીં સ્વીકારે તો મુંબઈ સહિત મહારાષ્ટ્ર ચહેરા પરનો રહ્યોસહ્યો મેકઅપ પડોશવાળા ઉતારી જશે અને રાજ્યનો ચહેરો કુરૂપ થઈ જશે એમ ઉદ્ધવે સામનામાં જણાવ્યું હતું.
જૈતાપુરની રાક્ષસી અણુઉર્જા યોજના થશે જ એમ મુખ્યમંત્રી અને તેમના લોકો જણાવે છે. દુનિયામાં વિધ્વંસક અણુ યોજનાઓ બંધ કરવામાં આવતી હોઈ કોકણ સહિત મહારાષ્ટ્રને અણુઉર્જાની ભઠ્ઠી પર કાયમ માટે બેસાડીને લોકોનું જીવન, ખેતી, નોકરીઓનો વિધ્વંસ કરવા માટે આ સરકારનું નિર્માણ થયું છે કે શું એવો પ્રશ્ન શિવસેના પ્રમુખે ઊભો કર્યો હતો.