તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ATS 86ને આતંકના માર્ગેથી પાછા લાવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ: 26/11ના આતંકવાદી હુમલા પછી અસ્તિત્વમાં આવેલી એન્ટી ટેરરીઝમ સ્ક્વોડ (એટીએસ) દ્વારા આતંકવાદી ગતિવિધિઓ પર ધ્યાન રાખવા સાથે આતંકવાદ તરફ ગેરમાર્ગે દોરવામાં આવેલા યુવાનોનું વિચાર પરિવર્તન કરવા માટે પણ નોંધનીય કામગીરી કરાઈ છે. છેલ્લાં 2 વર્ષમાં એટીએસ દ્વારા 86 લોકોનું વિચાર પરિવર્તન કરીને તેમને આતંકવાદના માર્ગેથી પાછા વાળવામાં આવ્યા હતા.

 

આ યુવાનોમાં એક યુવા યુગલનો પણ સમાવેશ થતો હતો, જે બંને સુશિક્ષિત હતાં અને ફાર્મસીમાં પોસ્ટ- ગ્રેજ્યુએટ્સ હતાં, ઉપરાંત એક એરોનોટિકલ એન્જિનિયર અને એક આઈટી વ્યાવસાયિકનો પણ સમાવેશ થતો હતો. જિહાદને નામે ગેરમાર્ગે દોરવામાં આવેલા આ યુવાનોનુંુ વિચાર પરિવર્તન કરીને તેમને મુખ્ય પ્રવાહમાં સામાન્ય જીવન જીવતા કરાયા છે. આમાં આઠ મહિલાનો પણ સમાવેશ થાય છે.

 

તેઓ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ થકી આતંકવાદીઓના આકાઓ સાથે સંપર્કમાં આવ્યા હતા અને ઓનલાઈન તેમને ગેરમાર્ગે દોરવામાં આવી હતી. તેઓ આતંકવાદી સંગઠન આઈસિસમાં જોડાવાની તૈયારીમાં હતી અથવા અમુક સંગઠન માટે કામ કરવાની યોજના બનાવી હતી. જોકે તેમની પ્રવૃત્તિઓ પર શાંતિથી ધ્યાન રાખીને તેમને સફળતાથી સામાન્ય જીવનમાં પાછી લાવવામાં આવી છે.


એટીએસ દ્વારા આ બધા લોકોના પરિવારના સભ્યો, તેમના સમુદાયના ધાર્મિક ગુરુઓ અને સલાહકારોની મદદ પણ લેવાઈ હતી. દરેક કેસમાં લગભગ બે મહિના સુધી પ્રયાસ પછી આ બધા લોકોનું વિચાર પરિવર્તન કરી શકાયું છે અને હવે તેઓ મુખ્ય પ્રવાહમાં આવી ગયા છે. આ સિવાય એટીએસ દ્વારા યુવાનોની ઓનલાઈન પ્રવૃત્તિઓ પર પણ બારીકાઈથી ધ્યાન રાખવામાં આવે છે.


એક યુવા દંપતી જો ફાર્મસીમાં પોસ્ટ- ગ્રેજ્યુએશન પછી આતંકવાદીઓ સાથે ઓનલાઈન સંપર્કમાં આવ્યું. તેઓ આતંકવાદી સંગઠનમાં જોડાવા માટે દેશની પાર પણ નીકળી ગયા. જોકે તેમની પર ધ્યાન રાખીને સફળતાથી તેમને પાછાં લાવવામાં આવ્યાં છે. અમે તેમનું વિચાર પરિવર્તન કર્યું છે. હવે તેઓ સામાન્ય જીવન જીવી રહ્યા છે. જોકે તેમને ફરીથી અન્ય માર્ગેથી આતંકવાદ ભણી દોરાય નહંીં તેનું પણ સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, એમ એટીએસના એક અધિકારીએ જણાવ્યું હતું.


2011માં કલ્યાણના ચાર જણ ધાર્મિક યાત્રાને નામે દેશ છોડીને ગયા હતા. તેઓ ઈરાકમાં ગયા હતા અને આઈસિસમાં જોડાયા હતા. તેમને જિહાદ માટે આતંકવાદીઓએ મનાવી લીધા હતા. આ પછી એટીએસ ઓનલાઈન પ્રવૃત્તિઓ પર વધુ બારીકાઈથી ધ્યાન રાખી રહી છે. ડિસેમ્બર 2015માં પુણે સ્થિત એક છોકરીને આઈસિસ દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવી હતી. તેણે દેશ છોડીને આઈસિસમાં જોડાવાનું પણ નક્કી કર્યું હતું. જોકે તેને પણ સમયસર પગલાં લઈને પાચી વાળવામાં આવી છે.


સરકાર પણ આ કામમાં એટીએસને મદદ કરી રહી છે. આમાંથી જરૂરતમંદ યુવાનોને અનુકૂળ નોકરી માટે તાલીમ આપવામાં આવે છે, ગ્રામીણ વિકાસ મંત્રાલયની યોજના હેઠળ પોતાનો ધંધો કરવા માટે બેન્ક પાસેથી લોન લેવામાં મદદ કરાય છે, જેથી તેઓ સન્માનજનક જીવન જીવી શકે, એમ એટીએસના પ્રમુખ અતુલચંદ્ર કુલકર્ણીએ જણાવ્યું હતંુ.

અન્ય સમાચારો પણ છે...