રેશનિંગ કાર્ડની જગ્યાએ હવે સ્માર્ટ કાર્ડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બનાવટી રેશનિંગ કાર્ડસની પ્રવૃત્તિની રોકથામની સાથે સાથે પુરવઠા વિભાગની કામગીરીમાં પારદર્શકતા લાવવા માટે આવતા વર્ષના ગાળામાં રેશનિંગ કાર્ડ રદ કરીને તેના સ્થાને સ્માર્ટ કાર્ડ આપવામાં આવનાર હોવાની માહિ‌તી અન્ન તથા નાગરિક પુરવઠા ખાતાના પ્રધાન અનિલ દેશમુખે આપી હતી. આખા રાજ્યમાં પુરવઠા વિભાગની કામગીરીનો કયાસ કાઢવા માટે દેશમુખ નાસિક પહોંચ્યા ત્યારે તેમણે પત્રકાર પરિષદમાં આ માહિ‌તી આપી હતી.

દેશમુખે જણાવ્યું હતું કે ''રાજ્યમાં ૧.૧૦ લાખ રેશનિંગની દુકાનો છે અને તેના અઢી કરોડ લાભાર્થીઓ છે. એ તમામ લાભાર્થીઓનાં નામ, તસવીરો વગેરે માહિ‌તી સંકલિત કરીને કોમ્પ્યુટરમાં ફીડ કરવામાં આવી છે. હવે એ માહિ‌તીની ચકાસણી ચાલે છે. આવતા કેટલાક મહિ‌નામાં એ વિધિ પૂર્ણ થતાં રેશનિંગ કાર્ડની જગ્યાએ બારકોડેડ સ્માર્ટ કાર્ડ આપવામાં આવશે. એપીએલ કાર્ડ ધારકોને આ મહિ‌નાથી આઠને બદલે પંદર કિલો અનાજ અપાશે, તેમાં દસ કિલો ઘઉં અને પાંચ કિલો ચોખા અપાશે.’’

તેમણે વધુમાં જણાવ્યું કે ''કેન્દ્ર સરકારે અન્ન સુરક્ષા કાયદો લાગુ કરતાં તેના અમલ માટેની પૂર્વ તૈયારીમાં રાજ્ય સરકારે ૨૦૦ અબજ રૂપિયા ખર્ચીને ૬૧૧ ગોદામો બાંધવાનો ઉપક્રમ હાથ ધર્યો છે. તેમાંથી ૭૦ ટકા કામ પૂરું થયું છે અને ૩૦ ટકા કામ બાકી છે. આ ગોદામોમાં સાડા તેર લાખ મેટ્રિક ટન અનાજનો સંગ્રહ થશે. તેમાંથી નાસિક જિલ્લામાં ૨૦ ગોદામો બાંધવામાં આવશે.’’

કેરોસીન સબસિડિ અંગે દેશમુખે જણાવ્યું હતું કે ''કેરોસીન વિતરણમાં ગેરરીતિઓ રોકવા માટે સબસિડી સીધી ગ્રાહકના બેન્ક ખાતામાં જમા કરવાની શરૂઆત નંદુરબાર, અમરાવતી અને વર્ધામાં કરાઈ છે. સાડાતેર લીટર કેરોસીનની કિંમતની રકમ એક મહિ‌ના પૂર્વે જ બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે. ઈંધણમાં ભેળસેળ અને કાળાબજાર રોકવા માટે પેટ્રોલ, ડિઝલ અને કેરોસિનના ટેન્કર્સમાં જીપીએસ ટેકનોલોજી ગોઠવાઈ છે. પરંતુ ભેળસેળ અને ગેરકારભાર કરનારાઓ 'જીપીએસ જેમર્સ’ગોઠવીને તેમના ગોટાળા ચાલુ રાખ્યા છે.